(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોમવારથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો અને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને મુંબઈના ઘાટકોપર સહિતના ૧૦ બ્રિજ પર ખાસ ધ્યાન આપવાની ચેતવણી પાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે, જેમાં આ બ્રિજ પરથી પસાર થતા સમયે વધુ ભીડ કરવી નહીં અને નાચતા-ગાતા અને જોરથી ડીજે વગાડવો નહીં અને બ્રિજ પર લાંબા સમય સુધી ઊભા રહેવું નહીં એવું ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ દ્વારા ગણેશોત્સવના આરંભ પહેલા જ મુંબઈના જોખમી પુલની માહિતી જાહેર કરીને ગણેશભક્તોને અને સાર્વજનિક ગણેશમંડળોને કાળજી લેવાની સૂચના આપવામાં આવી હતી. બ્રિજ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મધ્ય રેલવે પર આવેલો ઘાટકોપરનો રેલવે બ્રિજ, કરી રોડ રેલવે બ્રિજ, આર્થર રોડનો ચિંચપોકલી રેલવે બ્રિજ, સૅન્ડહર્સ્ટ રોડ રેલવે બ્રિજ, ભાયખલા રેલવે બ્રિજ તેમ જ પશ્ર્ચિમ રેલવેના ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ દરમ્યાન રહેલો ફ્રેન્ચ રેલવે બ્રિજ, કેનેડી રેલવે બ્રિજ, ફૉકલેન્ડ રેલવે બ્રિજ, મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બ્રિજ અને દાદરના ટિળક બ્રિજનો સમાવેશ થાય છે.
બ્રિજ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રેલવે લાઈન ઉપર આવેલા આ તમામ બ્રિજ ૬૦ વર્ષથી પણ જૂના છે. તેથી આ પુલ એકી વખતમાં વધુ વજન સહન કરી શકે એવી હાલતમાં નથી. તેથી એકી સમયે ભક્તો મોટી સંખ્યામાં તેના પર ભેગા થાય અથવા નાચતા-ગાતા અને ડીજે વગાડતા જાય તો બ્રિજ આટલું વજન સહી શકે એવી હાલતમાં નથી. ૧૬ ટનથી વધુ વજન બ્રિજ સહન કરી શકશે નહીં. તેથી ભક્તોએ આ બ્રિજ પરથી પસાર થતા સમયે ધ્યાન રાખવાનું રહેશે.
AI Image