Mon Sep 14 2026

Logo

240 લોકોને લઇને જઇ રહેલુ જહાજ જાવા સમુદ્રમાં ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

Java Sea   2026-09-13 12:36:00
Author: Mumbai Samachar Team
240 લોકોને લઇને જઇ રહેલુ જહાજ જાવા સમુદ્રમાં ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

ઇન્ડોનેશિયામાં 240 મુસાફરોને લઈને જઈ રહેલા એક પેસેન્જર જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયા પછી રવિવારે મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'વર્ગો ટ્રાન્સપોર્ટ 8' નામનું જહાજ પૂર્વ જાવાથી દક્ષિણ કાલીમંતન પ્રાંત તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન જાવા સમુદ્રમાં જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જહાજ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગયાની માહિતી સામે આવી છે. હાલમાં કોઈપણ જાનહાનિ થયાના સમાચાર નથી.

રાત્રે લગભગ બે વાગ્યે જહાજ સાથેનો સંપર્ક તૂટ્યો

દક્ષિણ કાલીમંતનના બંજારમાસિન શહેરમાં આવેલા શોધ અને બચાવ કાર્યાલયને રવિવારે સવારે લગભગ 2 વાગ્યે જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયાની સૂચના મળી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંપર્ક તૂટ્યાના લગભગ બે કલાક પછી તેમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ જહાજ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી બંજારમાસિન જવા માટે રવાના થયું હતું. દક્ષિણ કાલીમંતનના શોધ અને બચાવ કાર્યાલયના પ્રમુખ આઈ પુતુ સુદાયનાએ એક વિડિયો બ્રીફિંગમાં જણાવ્યું કે જહાજના સંચાલકે અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી હતી. સંચાલકને સૂચના મળી હતી કે જહાજ ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું છે.

જાવા સમુદ્રમાં 148 કિલોમીટર દૂર મળ્યું અંતિમ લોકેશન

પ્રારંભિક માહિતી અનુસાર, જહાજની છેલ્લી સ્થિતિ જાવા સમુદ્રમાં બંજારમાસિનના એક પિયરથી લગભગ 148 કિલોમીટર એટલે કે 92 માઈલ દૂર હતી. જહાજના મેનિફેસ્ટ મુજબ, તેમાં 241 મુસાફરો સવાર હતા. કંપનીના જણાવ્યા અનુસાર, 'વિર્ગો ટ્રાન્સપોર્ટ 8' શનિવારે સવારે સ્થાનિક સમય અનુસાર 10:13 વાગ્યે સુરાબાયાથી રવાના થયું હતું.

રેસ્ક્યૂ શીપને અંતિમ લોકેશન તરફ મોકલવામાં આવ્યું

ઘટનાની માહિતી મળ્યા પછી બચાવ દળને બંજારમાસિનના બસિરીહ સર્ચ એન્ડ રેસ્ક્યૂ પિયર પર મોકલવામાં આવ્યા. આ સાથે જ એક રેસ્ક્યૂ જહાજને 'વિર્ગો ટ્રાન્સપોર્ટ 8' ની અનુમાનિત છેલ્લી જાણીતી સ્થિતિ તરફ રવાના કરવામાં આવ્યું છે.