Tue Oct 06 2026

Logo

BRICS ગાલા ડિનર વિવાદ વચ્ચે આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિને યાદ આવ્યા ડૉ. કલામ, આ ખાસ પ્રસંગને કર્યો યાદ....

2026-09-14 13:33:00
Author: Vimal Prajapati
BRICS ગાલા ડિનર વિવાદ વચ્ચે આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિને યાદ આવ્યા ડૉ. કલામ, આ ખાસ પ્રસંગને કર્યો યાદ....

નવી દિલ્હી: ભારત મંડપમ ખાતે યોજાયેલી BRICS સમિટ 2026ના ગાલા ડિનરમાં માત્ર શાકાહારી ભોજન પીરસવા અંગે દેશમાં રાજકીય પક્ષો દ્વારા સવાલો કરવામાં આવી રહ્યાં છે. વિપક્ષી પક્ષોએ ગાલા ડિનરમાં શાકાહારી ભોજનના નિર્ણયની ટીકા કરી છે. તેવામાં હવે આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફુર રેગનાર ગ્રિમસન (olafur Ragnar Grímsson)નું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ડૉ. એપીજે અબ્દુલ કલામ સાથેના 2005ના એક  યાદગાર પ્રસંગને યાદ કરતા મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. 

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ 2005માં આઈસલેન્ડ ગયા હતા 

ઓલાફુર ગ્રિમસન 1996થી 2016 સુધી આઈસલેન્ડના રાષ્ટ્રપતિ રહ્યા હતા. આ દરમિયાન વર્ષ 2005માં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે આઈસલેન્ડની મુલાકાત લીધી હતી, જે કોઈ પણ ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ નોર્ડિક દેશની યાત્રા હતી. 2005માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઈસલેન્ડના પ્રવાસે ગયાં હતાં. ત્યારે ઓલાફુર રેગનાર ગ્રિમસન આઈસલેન્ડના રાષ્ટ્રપતિ હતા. તે વખતે રાષ્ટ્રપતિ દ્વારા સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પૂરેપૂરું વેજિટેરિયન મેન્યૂ રાખ્યું હતું. જેને યાદ કરતા ઓલાફુર રેગનાર ગ્રિમસનએ એક્સ પર પોસ્ટ કરી છે. 

20 વર્ષ પહેલાં નોર્ડિક દેશમાં શાકાહારી બનવું આસાન નહોતું

ઓલાફુર ગ્રિમસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘જ્યારે કોઈ નોર્ડિક દેશની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ માટે મેં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું, ત્યારે મેં મેન્યૂ સંપૂર્ણપણે શાકાહારી રાખ્યું હતું. 20 વર્ષ પહેલાં આઈસલેન્ડ જેવા દેશમાં શુદ્ધ શાકાહારી ભોજનનું આયોજન કરવું બિલકુલ સરળ નહોતું’. આડકતરી રીતે  ઓલાફુર ગ્રિમસને ભારતના વિપક્ષને જવાબ આપ્યો છે. કારણ કે, અત્યારે ગાલા ડિનરના શાકાહારી ભોજનનો કોંગ્રેસ દ્વારા વિરોધ અને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. 

 

BRICS સમિટમાં શું પીરસાયું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BRICS દેશોના વડાઓ અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ માટે આયોજિત આ ખાસ ગાલા ડિનરમાં ભારતીય સંસ્કૃતિ અને સ્વાદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મેન્યૂમાં શાકાહારી વાનગીઓનો સમાવેશ કરાયો હતો. જેમાં મુખ્ય વાનગીઓમાં ખાંડવી, પનીર લબાબદાર, ગુચ્છી માર્મિક, મિલેટ પુલાવ, મશરૂમ ગલોટી અને મિઠાઈમાં જલેબી સામેલ હતી. જ્યાં એક તરફ વિપક્ષ આ મેન્યૂ પર સવાલો ઉઠાવી રહ્યો છે, ત્યાં બીજી તરફ વિશ્વના અનેક રાજનેતાઓ અને મહેમાનોએ ભારતીય શાકાહારી ભોજન અને વૈવિધ્યસભર સ્વાદના ખૂબ જ વખાણ કર્યા છે.