નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત મોંઘવારી દરમાં મોટો ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.92 ટકાની સપાટીએ પહોંચી ગયો છે, જે જુલાઈ મહિનામાં 9.78 ટકા હતો. દેશમાં ઇંધણ, વીજળી, ખાદ્ય સામગ્રી અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડી રહી છે.
કયા ક્ષેત્રમાં મોંઘવારીનો કેટલો માર?
મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ WPI સૂચકાંક સતત ઉપર જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વિવિધ સેક્ટરમાં મોંઘવારી દરની વાત કરી તો, ઇંધણ અને વીજળી (Fuel & Power) ક્ષેત્રમાં સૌથી વધુ 22.93 ટકાનો જથ્થાબંધ મોંઘવારી દર નોંધાયો છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં WPI ફુગાવો 8.37 ટકાની શ્રેણીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે, જે જુલાઈમાં 8.29 ટકા હતો. ખાદ્ય પદાર્થોની મોંઘવારી જુલાઈના 6.65 ટકાથી વધીને ઓગસ્ટમાં 7.05 ટકા થઈ ગઈ છે. ખનિજ તેલ, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ, મૂળભૂત ધાતુઓ, બિન-ખાદ્ય વસ્તુઓ તેમજ રસાયણો અને રાસાયણિક ઉત્પાદનોના વધતા દામ WPI વધારવામાં મુખ્ય પરિબળ બન્યા છે.
વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો
ભારતમાં વધી રહેલી મોંઘવારી પાછળ વૈશ્વિક ઘટનાઓ પણ જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ભારત પોતાના વપરાશનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આ દરિયાઈ માર્ગેથી આયાત કરે છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ખાતર (Fertilizer) ની કિંમતો વધવાને કારણે કૃષિ ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેની અસર ખાદ્ય ચીજોના ભાવો પર જોવા મળી રહી છે.
આરબીઆઈનું વલણ અને ભવિષ્યનો અંદાજ
નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ પોતાની તાજેતરની સમીક્ષા બેઠકમાં બેન્ચમાર્ક નીતિગત વ્યાજ દરોને 5.25 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે છૂટક ફુગાવાનો અંદાજ 5 ટકા રાખ્યો છે. ચોમાસાની અનિયમિતતા અને અલ નીનો (El Nino) ની સ્થિતિને કારણે કૃષિ ઉત્પાદન પર પડનારી સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને આ અંદાજ મુકવામાં આવ્યો છે.