ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધમાં હોર્મુઝની ખાડી અત્યારે ચર્ચા છે. તેમાંય વળી આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ પરિવહનનો મુદ્દો પણ લાઈમલાઈટમાં આવ્યો છે, ત્યારે ભારતીય જહાજોની ઓળખ, રજિસ્ટ્રેશન લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિશાળ દરિયામાં જ્યારે ભારતીય નામ ધરાવતા જહાજને જોઈએ ત્યારે વિચાર આવે કે, ભારત પાસે મોટી સંખ્યામાં દરિયામાં સફર ખેડી શકે એવા જમ્બો જહાજ હશે.
હકીકત આનાથી જુદી છે. ખરેખર જે ભારતીય નામના જહાજ દરિયામાં સફર કરી રહ્યા છે એ ભારતમાં રજિસ્ટર્ડ નથી. એ તમામ જહાજના નામ ભલે ભારતીય હોય પણ તે વિદેશી ધ્વજ અંતર્ગત કામ કરી રહ્યા છે પછી ભલે એમાં ભારતીય ક્રૂ હોય અથવા ભારત સાથે એનું ડાયરેક્ટ ક્નેક્શન હોય.
નામ ભારતીય પણ નોંધણી વિદેશમાં?
ગ્લોબલ શિપિંગમાં ઘણી વાર રજિસ્ટ્રેશન મહત્ત્વના હોય છે. વિદેશમાંથી મળતા શિપિંગ સંબંધિત ફાયદા, નોંધણીની સરળ પ્રક્રિયા અને કેટલાક લાભને કારણે શિપના રજિસ્ટ્રેશન વિદેશમાં થાય છે અને પછી નામકરણ ભારતીય રીતે ભારતીય નામ પર થાય છે. ભારતમાં પણ આવું શક્ય છે પણ રેગ્યુલેટરી પ્રક્રિયા અને ચાર્જિસને લઈને મોટો તફાવત છે.
સૌથી મોટું કારણ એ છે કે, ફ્લેગ્સ ઓફ કન્વીનિયન્સ. ઈન્ટરનેશનલ સમુદ્રી કાયદા અનુસાર જહાજ કોઈને કોઈ દેશમાં રજીસ્ટર્ડ હોવું અનુવાર્ય છે. પણ એવું બિલકુલ જરૂરી નથી કે જહાજના માલિક એ જ દેશના હોય જ્યા એની નોંધણી થયેલી છે. શિપિંગ કંપનીઓ સામાન્ય રીતે પનામા, લાઈબેરિયા અને માર્શલ આઈલેન્ડ જેવા દેશની પસંદગી કરે છે.
બીજા દેશને પસંદ કરવા પાછળનું કારણ
બીજા દેશને પસંદ કરવા પાછળનું કારણ એ છે કે, ત્યાં ટેક્સ ઓછો હોય છે, કાગળ પર કરવી પડતી પ્રક્રિયા સરળ અને ઓછી હોય છે, નિયમો ફ્લેક્સિબલ હોય છે, સુવિધા વધારે મળે છે અને ફાયદો પણ થાય છે. આવા ફાયદાને કારણે ચલણની કિંમત ઘટી જાય છે અને ફાયદો મોટો થાય છે.
ફ્લેગ ઓફ કન્વિનિયન્સ રાષ્ટ્રોમાં જહાજનું રજિસ્ટ્રેશન કરાવવાથી કંપનીઓ બીજો કેટલોક ખર્ચો બચાવી શકે છે. જે દેશમાં સમુદ્રી કાયદો કડક છે એ દેશની તુલનામાં આવા દેશમાં નિયમો હળવા અને પાલન કરવા માટે સરળ હોય છે. ઘણાય એવા જહાજ છે જે ભારતમાં માલ સામાન લઈને આવે છે પણ એનું રજિસ્ટ્રેશન બીજા દેશમાં બોલી રહ્યું છે, જ્યારે એના માલિક અહીંયા ભારતના છે.
ભારતમાં મોંઘું કઈ રીતે પડે?
ભારતમાં કોઈ પણ જહાજને રજિસ્ટર્ડ કરવું મોંઘુ પડે. ભારતીય ધ્વજ અંતર્ગત કામ કરતી શિપિંગ કંપનીઓ સામાન્ય રીતે વધારે ટેક્સ અને અન્ય ખર્ચાઓ ભોગવે છે, જે બીજા દેશમાં જે તે દેશના ચલણમાં હોવા છતા ભારતની તુલનામાં ઓછા હોય છે, જે રીતે વિદેશી શિપિંગ કંપનીઓને ભારતીય ધ્વજ ધરાવતા જહાજથી થનારી કમાણી પર આશરે 7.5 ટકા ટેક્સ ચૂકવવો પડી શકે છે.
આ સિવાય જહાજનું મેઈનટેનન્સ, ડીઝલ ખર્ચ અને સમારકામના ખર્ચા જોડાયેલા હોય છે. આ તમામ સેવાઓ પર ભારતમાં જીએસટી લાગે છે. ભારતના સમુદ્રી કાયદાઓ કડક છે અને ચુસ્તપણે પાલન કરવા અનિવાર્ય છે. કેટલીક શરતોનું પણ પાલન કરવું પડે.
આર્થિક સમસ્યાઓ
ભારતમાં કંપનીઓની સુરક્ષા, ક્રૂ મેમ્બર્સના રજિસ્ટ્રેશન, જહાજ સંચાલનના કેટલાક નિયમો જેવા મુદ્દાઓનું પાલન કરવું અનિવાર્ય છે. જહાજના માલિકી હકને લઈને પણ ઘણી શરતો ભારતમાં છે. બીજી તરફ આર્થિક સમસ્યાઓ પણ શિપિંગ કંપનીઓને નડે છે. જહાજ ખરીદવા માટે ભારતમાંથી મળતી લોન ઘણી મોંઘી છે. લોન સાથેની શરતો પણ કપરી છે. આ કારણે કંપનીઓ માટે ભારતીય ધ્વજ અંતર્ગત પોતાના સફરનો વિસ્તાર કરવો મુશ્કેલ બને છે. જ્યારે બીજા દેશમાંથી આ પ્રક્રિયા સરળ બને તો શિપિંગ કંપનીઓ અન્ય દેશ પર પસંદગી ઊતારે છે.