ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ઘરની અંદર પગ મૂકતાં જ આપણે જે સૌથી પહેલું કામ કરીએ છીએ અને એ કામ એટલે સીલિંગ ફેન ઓન કરવાનું. પંખો શરૂ થતાં જ આપણને રાહત તો મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે આપણે ત્યાં મોટાભાગના પંખાઓમાં માત્ર ત્રણ બ્લેડ જ કેમ હોય છે? એનાથી વિપરીત હોલીવુડ ફિલ્મો કે વિદેશી ઘરોમાં ચાર કે પાંચ બ્લેકવાળા પંખા નજરે પડે છે. પંખાના પાંખિયાની આ સંખ્યા પાછળ કોઈ અંદાજો કે તુક્કો નથી, પરંતુ તેની પાછળ માત્ર વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને જે-તે દેશની આબોહવાનો ભૂગોળ છુપાયેલો છે. ચાલો જાણીએ આ પાછળનું ખાસ કારણ...
ભૌતિક વિજ્ઞાનના નિયમો અનુસાર, પંખામાં બ્લેડની સંખ્યા જેટલી ઓછી હશે, હવાનું ઘર્ષણ તેટલું જ ઓછું નડશે. હવામાં અવરોધ ઓછો હોવાને કારણે પંખાની મોટર પર કોઈ વધારાનું દબાણ આવતું નથી અને તે ખૂબ જ તીવ્ર ગતિએ એટલે કે હાઈ-આરપીએમ પર ફરી શકે છે. ત્રણ બ્લેડ વાળો પંખો હવાને ખૂબ ઝડપથી કાપીને રૂમના ખૂણે-ખૂણા સુધી હાઈ-સ્પીડ એરફ્લો પહોંચાડવામાં 100 ટકા સક્ષમ હોય છે.
ભારત એ એક ગરમ દેશ છે, જ્યાં ઉનાળામાં પારો 45 ડિગ્રીને પાર થઈ જાય છે. અહીં પંખાનું મુખ્ય કામ માત્ર રૂમની હવા ફેરવવાનું નથી, પરંતુ શરીરના પરસેવાને ઝડપથી સુકવીને સીધી ઠંડક આપવાનું છે. આ માટે હાઈ-સ્પીડ પંખો જ જરૂરી બને છે.
અમેરિકા અને યુરોપ જેવા ઠંડા દેશોમાં પંખાનો ઉપયોગ ચિલચિલાતી ગરમીથી બચવા માટે નહીં, પરંતુ માત્ર રૂમમાં વેર વિખેર રહેલી હવાના યોગ્ય ફેલાવા માટે થાય છે. ત્યાં લોકો એસીની સાથે પંખો ચલાવે છે. ચાર કે પાંચ પાંખિયાવાળા ભારે પંખા હવાને ખૂબ જ ધીમે-ધીમે આખા રૂમમાં સમાન રીતે ફેલાવે છે, પરંતુ તેમાંથી હાઈ સ્પીડ મળતી નથી.
મોટર પર લોડ અને વીજળીનું બિલ
એન્જિનિયરિંગની દૃષ્ટિએ પંખામાં જેટલા વધારે પાંખિયા ઉમેરવામાં આવે, તેટલું પંખાનું કુલ વજન વધતું જાય છે. ભારે પંખાને ફેરવવા માટે પછી મોટી અને વધુ વૉટ ધરાવતી શક્તિશાળી મોટરની જરૂર પડે છે, જે વીજળીનો વપરાશ ખૂબ વધારી દે છે. ત્રણ પાંખવાળા પંખા વજનમાં હલકા હોવાથી ઓછી વીજળીમાં પણ દમદાર અને તોફાની સ્પીડ આપે છે, જેનાથી લાઈટ બિલ ઓછું આવે છે.
શાંત વાતાવરણ અને અવાજ
જ્યારે ચાર કે પછી પાંચ પાંખવાળા ભારે પંખાને ફૂલ સ્પીડમાં ચલાવવાનો પ્રયાસ કરવામાં આવે, ત્યારે હવાના ભારે દબાણને કારણે તેમાંથી મોટો ગરગરાટ કે પવનનો વિચિત્ર અવાજ પેદા થાય છે. ભારતમાં લોકો રાત્રે શાંત વાતાવરણમાં ઊંઘવાનું પસંદ કરે છે. ત્રણ બ્લેડ વાળી ડિઝાઇન એવી રીતે તૈયાર થાય છે કે તે કોઈ પણ જાતના મોટા અવાજ વિના, એકદમ સાયલન્ટલી રૂમમાં હવાનો શ્રેષ્ઠ ઘેરાવ બનાવી શકે.
બજેટ અને કિંમત
ભારતીય બજારમાં ગ્રાહકોના ખિસ્સા અને બજેટનું ધ્યાન રાખવું કંપનીઓ માટે સૌથી જરૂરી હોય છે. ત્રણ પાંખિયાવાળા પંખા બનાવવામાં ધાતુ કે પછી પ્લાસ્ટિકનો ખર્ચ ઓછો આવે છે, જેથી તેનું ઉત્પાદન ઘણું સસ્તું બને છે અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર તેને ખૂબ જ વ્યાજબી કિંમતે ખરીદી શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે તમારી સાથે જોડાયેલા રહો...