Sat Sep 05 2026

Logo

આનંદીબેને સ્ટેજ પરથી પાટીદાર આગેવાનોને ઝાટકીને શું કહ્યું ?

2026-02-19 15:23:00
Author: Mayur Patel
આનંદીબેને સ્ટેજ પરથી પાટીદાર આગેવાનોને ઝાટકીને શું કહ્યું ?

સુરતઃ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્ટેજ પરથી પાટીદાર આગેવાનોને ઝાટક્યા હતા. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આપણે ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું. તેમની દીકરી અનાર પટેલની હાજરીમાં કરેલું નિવેદન ખૂબ સૂચક માનવામાં આવે છે. કેમકે અનાર પટેલની લેઉવા પાટીદારોના સંગઠન ખોડલધામના અધ્યક્ષ તરીકે થોડા સપ્તાહ પહેલા વરણી કરવામાં આવી હતી.

શું બોલ્યા આનંદીબેન પટેલ

ડાયમંડ નગરી સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં બોલતાં આનંદીબેને જણાવ્યું કે, હું પણ પટેલ છું, અને આ મંચ પર બેઠેલા ઘણા લોકો પણ પટેલ છે, પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી.પટેલ હોવાનો ગર્વ એ નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલો હોવો જોઈએ, નહીં કે જ્ઞાતિવાદના સંકુચિત વાડાઓ સાથે. આ ઉપરાંત તેમણે કહ્યું, જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.

લેઉવા અને કડવા પાટીદારો પણ ટિપ્પણી કરતાં તેમણે જણાવ્યું કે, આપણે ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું. જ્ઞાતિના વાડામાંથી બહાર નીકળીને હિન્દુસ્તાની અને ભારતવાસી હોવાનો ગર્વ લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત આનંદીબેન પટેલે કહ્યું કે, માત્ર એક ચોક્કસ પેટા જ્ઞાતિને સાથે લઈને ચાલે તે નહીં પણ આખા સમાજને સાથે લઈને ચાલે તે જ સાચું નેતૃત્વ છે.