Wed Jun 17 2026

Logo

ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈ બજેટમાં કઈ કઈ જાહેરાતો થઈ? જાણો એક ક્લિકમાં

2026-02-18 15:37:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત બજેટમાં ઈન્ફ્રાસ્ટ્ર્કચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંગે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું, ​મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર 

રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે ૧૧૫૫ કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે.

​ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ ૨૦૨૬ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ. જે દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે.

​વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી.

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને  વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે.

અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કર્યો છે. માનનીય વડા પ્રધાનના ‘વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ના વિઝનને સાકાર કરવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્‍દ્ર બન્યાં છે.  વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ ₹૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.