ચર્ચગેટ-વિરાર કોરિડોર પર પ્રવાસીઓની ભીડ ઘટશે, જાણો 15 કોચની ટ્રેનનું ટાઈમટેબલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં વધતા પેસેન્જર ટ્રાફિકને લઈ રેલવેએ સૌથી મોટો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેમાં 12 કોચની ટ્રેનને પંદર કોચમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ગુડી પાડવાના 19મી માર્ચથી વધુ 16 સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે, જેનાથી લોંગ કોરિડોરમાં ટ્રેનની ફ્રિકવન્સી મળતા પ્રવાસીઓને ભીડભાડવાળી ટ્રેનમાં ટ્રાવેલ કરવામાંથી મુક્તિ મળી શકે છે.
પશ્ચિમ રેલવેમાં વધતા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પંદર કોચની સર્વિસમાં વધારો કરવામાં આવ્યા પછી પંદર ડબ્બાની કુલ સર્વિસની સંખ્યા વધીને 227 થશે, પરંતુ સબર્બન રેલવેની ટ્રેન સર્વિસીસમાં કોઈ વધારો થશે નહીં.

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બાર કોચની સર્વિસની તુલનામાં પંદર કોચની સર્વિસ થવાથી ટ્રેનમાં ભીડમાં ઘટાડો થશે, જ્યારે એક જ ટ્રેનમાં પેસેન્જર ટ્રાફિકમાં એક જ સમયે સ્ટેશન પરથી પ્રવાસીઓની સંખ્યા પણ ઘટાડો થશે. ટ્રેન અને સ્ટેશનમાં પણ પેસેન્જરના ટ્રાફિકમાં ઘટાડો થશે. 12 કોચની વધુ 16 સર્વિસ વધારવાથી 211 સર્વિસીસમાંથી 227 થશે.
પશ્ચિમ રેલવેમાં પીક અવર્સમાં આઠ સર્વિસ હશે, જેમાં સવારે ચાર અને સાંજના ચાર સર્વિસનો સમાવેશ થશે. પશ્ચિમ રેલવેના વિરારથી ચર્ચગેટના કોરિડોરમાં નવી પંદર કોચની સર્વિસ દોડાવવામાં આવશે, જ્યારે કુલ સર્વિસ 1,444માં કોઈ વધારો થશે નહીં, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.