Mon May 04 2026

Logo

બંગાળમાં ભગવો લહેરાયો: મમતાની હાર અને ભાજપની જીતના 5 મોટા કારણ

2026-05-04 12:55:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચોંકાવનારા પરિણામ આવ્યા હતા.  પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો દરેક ચૂંટણીમાં તેમણે બંગાળમાં હરાવવા અશક્ય છે તેમ સાબિત કર્યું હતું. પરંતુ આ વખતે ભાજપે અશક્યને શક્ય બનાવ્યું હતું.

મમતા બેનર્જીની હાર અને ભાજપની જીતના 5 મુખ્ય કારણો:

1 સનાતની લહેર
આ ચૂંટણીમાં હિન્દુ મતદારોએ ખુલીને ભાજપને મત આપ્યા હતા. ભાજપ શરૂઆતથી જ કહેતો આવ્યો હતો કે સનાતનની રક્ષા માટે હિન્દુ મતદારોએ એકજૂથ થઈને મમતા વિરુદ્ધ મતદાન કરવું પડશે. ભાજપે મમતાની TMC સરકારને 'હિન્દુ વિરોધી' તરીકે રજૂ કરી અને રાજ્યની હિન્દુ વસ્તીને એવો વિશ્વાસ અપાવવામાં સફળ રહી કે તેમના હિત માત્ર ભાજપ સાથે જ સુરક્ષિત છે. બંગાળમાં 25-30% મુસ્લિમ મતદારો છે, ભાજપે બાકીની વસ્તીનું મજબૂત ધ્રુવીકરણ કર્યું અને તેમના મતો વિભાજિત થવા દીધા નહીં. અન્ય રાજ્યોમાં નોકરી કે મજૂરી કરતા બંગાળના હિન્દુ મતદારોને પણ ભાજપ એ સમજાવવામાં સફળ રહ્યો કે આ ચૂંટણીમાં તેમની ભાગીદારી કેમ જરૂરી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઘરે પરત ફર્યા અને ભાજપની તરફેણમાં મતદાન કર્યું. મમતા બેનર્જીને આનો અંદાજ હતો, તેથી તેમણે આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે ભાજપે પ્રવાસી મજૂરોને પાછા લાવવા માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવી છે.

2. કાયદો અને વ્યવસ્થા
આર.જી. કર મેડિકલ કોલેજ અને દુર્ગાપુર ગેંગરેપ જેવી ઘટનાઓએ રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ ઉપરાંત, મમતા બેનર્જીની છોકરીઓને રાત્રે બહાર ન નીકળવાની સલાહ પણ લોકોને પસંદ પડી નહીં. આ નિવેદનથી એવો સંદેશ ગયો કે એક મહિલા મુખ્યપ્રધાન મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર નથી. આર.જી. કર મેડિકલ કોલેજનો મામલો 2024નો હતો, અને સામાન્ય રીતે સમય જતાં ઘટનાની તીવ્રતા ઓછી થતી જાય છે, પરંતુ ન તો ભાજપે આવું થવા દીધું, ન તો મમતા સરકારે કાયદો વ્યવસ્થા સુધારીને તેને એક અપવાદ સાબિત કરવાની કોશિશ કરી. 2025માં દુર્ગાપુરમાં MBBS વિદ્યાર્થિની પર થયેલા કથિત ગેંગરેપે કાયદો વ્યવસ્થાને ફરી મોટો મુદ્દો બનાવી દીધો. બીજી તરફ, ભાજપે આર.જી. કર પીડિતાની માતા રત્ના દેબનાથને પાનીહાટી બેઠક પરથી ઉમેદવાર બનાવીને એ દર્શાવ્યું કે તેઓ આવા મુદ્દાઓ પર કેટલા ગંભીર અને સંવેદનશીલ છે.

3. આંતરિક કલહ
તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક કલહ પણ મમતા બેનર્જીની હારનું એક મુખ્ય કારણ છે. TMC ઘણી હદ સુધી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક તરફ મહુઆ મોઇત્રા અને અભિષેક બેનર્જી જેવા નેતાઓ હતા, જેઓ મમતાના અત્યંત ખાસ છે. બીજી તરફ એવા નેતાઓનું જૂથ એકઠું થયું જેમને પાર્ટીમાં અપેક્ષિત સન્માન મળ્યું ન હતું. આ કારણે ચૂંટણી કાર્યોમાં જે એકજૂથતા દેખાવી જોઈતી હતી તે જોવા મળી નહીં અને પાર્ટીએ તેનું નુકસાન ભોગવવું પડ્યું. સાંસદ કલ્યાણ બેનર્જીના મામલે પાર્ટીમાં કલહ વધુ ઘેરો બનાવ્યો હતો. કલ્યાણે લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, કારણ કે મહુઆ મોઇત્રા અને તેમની વચ્ચે તકરાર હતી અને મમતાનું વલણ મોઇત્રા તરફ હતું.

4. વિઝન વગરનું કેમ્પેઈન 
મમતા બેનર્જી સતત 15 વર્ષ સત્તામાં રહ્યા, તેથી મતદારોમાં સરકાર વિરોધી લહેર  ઉભી થવી સ્વાભાવિક હતી. આવી સ્થિતિમાં મમતાએ મતદારોને એ સમજાવવાનું હતું કે તેમનું ચોથી વાર સત્તામાં આવવું કેમ જરૂરી છે, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા. મમતા પાસે કોઈ નક્કર મુદ્દા નહોતા, જ્યારે બીજી તરફ ભાજપે મહિલા સન્માન, સુરક્ષા, ધર્મ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવાના નામે વોટ માંગ્યા હતા.

5. 3000 રૂપિયા  

મમતાની હારમાં ભાજપની લોકલોભામણી જાહેરાતો પણ મુખ્ય રહી હતી. ભાજપે મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવાનું એલાન કર્યું હતું. દર મહિને 3000 રૂપિયાની જાહેરાતે બંગાળની મહિલા મતદારોને ભાજપ તરફ આકર્ષી હતી.  

આ ઉપરાંત ભાજપે રાજ્યમાં ઉદ્યોગો અને રોકાણને પ્રોત્સાહન આપવાનું પણ વચન આપ્યું હતું. પાર્ટીનું કહેવું હતું કે બંગાળમાં બંધ થઈ ગયેલા ઉદ્યોગોને ફરીથી શરૂ કરવામાં આવશે અને નવા રોકાણકારોને આકર્ષવામાં આવશે. ભાજપના નેતાઓએ વારંવાર કહ્યું કે ઉદ્યોગ-ધંધા આવવાથી રાજ્યમાં યુવાનોને રોજગારી મળશે અને બેરોજગારીમાં ઘટાડો થશે. યુવાનો અને વેપાર સાથે જોડાયેલા લોકો વચ્ચે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો રહ્યો હતો. આ ઉપરાંત, ભાજપે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ અપાવવાનું વચન આપ્યું હતું, જેણે ક્યાંક ને ક્યાંક ખેડૂત વર્ગને પ્રભાવિત કર્યો હતો.