Wed Aug 19 2026

Logo

વિદ્યાવિહારના આરઓબી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ખુલ્લો મુકાશે

2026-08-07 10:05:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી રાહ જોવાતો વિદ્યાવિહાર ફ્લાયઓવર પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે, જેમાં મોટા ભાગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર બે સ્પાનનું કૉંક્રિટ કાસ્ટિંગ બાકી છે. બાકીનું કામ ૩૧ ઑગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. એ બાદ પાલિકા લોડ ટેસ્ટિંગ અને અન્ય ફરજિયાત ટેક્નિકલ સેફટીને લગતી બાબતોની તપાસ કરશે. સુરક્ષાના તમામ પાસાઓે સફળતાપૂર્વક ક્લિયર કર્યા પછી જ ફ્લાયઓવરને વાહનોની અવરજવર માટે ખોલવામાં આવશે અને કદાચિતઆઠ સપ્ટેમ્બર પછી ખુલ્લો મૂકવામાં આવે એવી શકયતા હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

આ કનેક્ટર વિદ્યાવિહાર પૂર્વમાં રામકૃષ્ણ ચેમ્બુરકર માર્ગને પશ્ર્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ સાથે જોડે છે અને તેમાં રેલવે ટ્રેક પર ૧૦૦-મીટરનો પટ્ટો આવે છે. આ બ્રિજ વિદ્યાવિહાર રેલવે સ્ટેશનના ફૂટપાથ પર સીધો પ્રવેશ પણ આપશે અને તેથી  રાહદારીઓ માટે કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.

પાલિકાના બ્રિજ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બે સ્પાનના કૉંક્રિટ કાસ્ટિંગને બાદ કરતાં મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. કામ પૂર્ણ થયા પછી બ્રિજને ટ્રાફિક માટે ખોલતા પહેલા લોડ ટેસ્ટ અને ટેક્નિલ સેફટીની તપાસ કરવામાં આવશે. આ બ્રિજ  ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિકને  રોકવા માટે પાલિકાએ બ્રિજની બંને બાજુએ એપ્રોચ રોડ પહોળા કરવાનું શરૂ કર્યું છે.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ગુરુવારે કામની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને અડચણો અસરગ્રસ્ત સંસ્થાઓ, ફૂટપાથ અને વૃક્ષ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા નિર્દેશ આપ્યો હતો. પીક અવર્સ દરમિયાન સરળ અવરજવર સુનિશ્ર્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં સમર્પિત ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂર્વ-પશ્ર્ચિમને જોડવા માટે ૧૯૯૧માં સૌપ્રથમ પ્રસ્તાવિત કરાયેલા પ્રોજેક્ટ છેક ૨૦૧૬માં પાટે ચઢયો હતો, તેમાં પણ  બાંધકામ ૨૦૧૮માં શરૂ થયું હતું. મૂળ ૨૦૨૨ના મધ્ય સુધીમાં પૂર્ણ થવા માટે નિર્ધારિત આ પ્રોજેક્ટ કોવિડ-૧૯ મહામારી અને ડિઝાઇન ફેરફારોને કારણે  લંબાઈ ગયો હતો.

એબી ઇન્ફ્રાબિલ્ડ લિમિટેડને ફેબ્રુઆરી ૨૦૨૪માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. કામમાં અનેક વખત મુદત લંબાઈ જતા પ્રોજેક્ટનો ખર્ચ વધીને ૧૭૮.૯૩ કરોડ રૂપિયા  થયો હતો. એકવાર બ્રિજ ખુલ્લો મુકાયા પછી વિદ્યાવિહાર પૂર્વ અને પશ્ર્ચિમ વચ્ચે મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરે તેવી ધારણા છે, પીક-અવરની મુસાફરી ૪૦-૪૫ મિનિટથી લગભગ ૧૦-૧૫ મિનિટ સુધી ઘટાડશે.

સેન્ટ્રલ રેલવેના પાટા ઉપર બનેલો ૬૧૨-મીટર-લાંબા, ચાર-માર્ગીય માળખામાં ૧૦૦-મીટર-લાંબા રેલવે ગાળાનો સમાવેશ થાય છે, જે મુંબઈમાં રેલવે ટ્રેક પરના સૌથી લાંબા ગર્ડરો પૈકી એક છે. દરેક ગર્ડરનું વજન લગભગ ૧,૧૦૦ મેટ્રિક ટન છે. આ ફ્લાયઓવર વિદ્યાવિહાર-ઘાટકોપર-કુર્લા કોરિડોરમાં ભીડને હળવી કરતી વખતે હજારો મુસાફરોનો સમય, ઇંધણ અને મુસાફરી ખર્ચ બચાવશે તેવી અપેક્ષા છે.