Tue Oct 06 2026

Logo

Breaking: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

2026-04-11 21:08:00
Author: Devayat Khatana
Breaking: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: ગુજરાતી સહિત દેશની અનેક ભાષાના ગીતોને સ્વર આપનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત લથડી હોવાના અહેવાલ છે. આશા ભોંસલેને હાર્ટ અટેક આવ્યો હતો અને હાલ તેમને સારવાર માટે સાઉથ મુંબઈમાં આવેલી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આશા ભોંસલેના સ્વાસ્થ્યના આ સમાચારથી લાખો ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

મળતી વિગતો અનુસાર, ભારતીય સંગીત જગતના દિગ્ગજ પ્લેબેક સિંગર આશા ભોંસલેને હાર્ટ એટેક (કાર્ડિઆક અરેસ્ટ) આવતા તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આશાજી હાલ હોસ્પિટલના 'ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ' (EMS) યુનિટમાં સારવાર હેઠળ છે અને નિષ્ણાત તબીબોની ટીમ તેમની તબિયત પર સતત દેખરેખ રાખી રહી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર દેશમાં તેમના કરોડો ચાહકો અને બોલિવૂડ જગત તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યું છે.

આશા ભોંસલેના અવાજની એવી તે મીઠાશ રહી છે કે તેમના ગીતો આજે પણ લોકોના હોઠે ગુંજે છે. તેમની સંગીતની કારકિર્દીમાં અંદાજે 12,000થી વધુ ગીતોને તેમણે સ્વર આપ્યો છે. જો કે તેમની સફર દેખાઈ તે છે તેટલી સરળ નથી રહી. તેમણે જિંદગીમાં માત્ર 9 વર્ષની ઉંમરે તેમના પિતાની છત્રછાયા ગુમાવી હતી અને ત્યારબાદ તેમના અને બહેન લતા મંગેશકરના માથે ઘરના ગુજરાનની જવાબદારી આવી હતી. 

જો કે આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરે તેમણે પરિવારની ઇચ્છા ન હોવા છતાં પણ લતાજીના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. જો તેમના આ નિર્ણયથી નારાજ થયેલા લતાજીએ આશાજી સાથેના સંબંધો પણ પૂર્ણવિરામ લગાવી દીધું હતું. જો કે તેની આગળનું જીવન આશાજી માટે કપરા ચઢાણ સમું બની રહ્યું હતું અને કંટાળીને જીવનથી જ હાર પણ માની લીધી હતી.  

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેએ દરેક શૈલીનાં ગીતોમાં પોતાના સૂરીલા અવાજનો જાદુ ફેલાવ્યો છે.  આશા ભોંસલેએ ગુજરાતી ફિલ્મો અને ગરબાઓમાં અનેક સદાબહાર ગીતો ગાયા છે, જેમાં "માડી તારું કંકુ ખર્યું", "સોના વાટકડી", અને "છેલાજી રે" સૌથી લોકપ્રિય છે. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં તેમણે 'મેંદી તે વાવી માળવે' જેવા અવિસ્મરણીય ગીતો આપ્યા છે.