Thu May 14 2026

Logo

વી.ડી.સતીશન કહેવાય છે કેરલમની રાજનીતિના 'જુગારી', જાણો નવા CM અંગે

2026-05-14 14:51:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ કૉંગ્રેસે આજે કેરલમના નવા મુખ્ય પ્રધાન તરીકે વી.ડી. સતીશનના નામની જાહેરાત કરી હતી. તેઓ કેરલમના વરિષ્ઠ કૉંગ્રેસ નેતા છે અને લાંબા સમયથી રાજ્યની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન કે.કરૂણાકરણના નજીકના સમર્થક માનવામાં આવે છે. તેઓ 2021માં કેરલમ વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે. આ ઉપરાંત કેરલમ્ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. તેમજ વ્યવસાયે વકીલ છે અને કેરલ હાઈ કોર્ટમાં વકીલાત કરી ચુક્યા છે.

વી. ડી. સતીશન, જેમને હાલમાં કેરલમ રાજકારણના 'જુગારી' તરીકે ઓળખવામાં આવી રહ્યા છે, તેઓ આજે રાજ્યના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક બનીને ઉભર્યા છે. વ્યવસાયે વકીલ અને પરવુર મતવિસ્તારમાંથી સતત છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સતીશને 2026ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને અભૂતપૂર્વ જીત અપાવી હતી.

સતીશનની આ જીતની સૌથી મોટી વિશેષતા તેમનો એ આત્મઘાતી દાવ હતો, જેમાં તેમણે જાહેરાત કરી હતી કે જો UDF 140માંથી 100 બેઠકો નહીં જીતે, તો તેઓ રાજકારણ છોડી દેશે અને રાજકીય નિવૃત્તિ લઈ લેશે.

એક પ્રખર વક્તા અને વ્યૂહરચનાકાર સતીશનનો જન્મ 1964માં કોચ્ચિના નેત્તૂર ખાતે થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. તેઓ 2001 થી સતત પરવુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમનો રાજકીય આધાર એર્નાકુલમ જિલ્લાની પરવુર બેઠક રહી છે. જોકે, તેમણે અહીંથી પહેલી ચૂંટણી વર્ષ 1996માં લડી હતી, પરંતુ ત્યારે તેઓ હારી ગયા હતા. વિદ્યાર્થી રાજકારણથી શરૂઆત કરનાર સતીશન કૉંગ્રેસના સંગઠનાત્મક માળખા અને પાયાના રાજકારણ બંનેમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવે છે. તેઓ એસ.એચ. કોલેજ (થેવરા) અને મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા રહ્યા હતા. કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) અને યુથ કોંગ્રેસમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.

25 વર્ષથી કેરલમ ના રાજકારણમાં સક્રિય
વી. ડી. સતીશન છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી કેરલમના રાજકારણમાં સક્રિય છે. કૉંગ્રેસમાં તેમને સુધારાવાદી વિચારધારા ધરાવતા નેતા તરીકે જોવામાં આવે છે. 2021માં UDF ની હાર બાદ, તેમને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિપક્ષી નેતા બન્યા પછી, તેમણે પિનરાઈ વિજયન સરકારને ભ્રષ્ટાચાર, ગોલ્ડ સ્મગલિંગ, કાયદો અને વ્યવસ્થા તથા આર્થિક મુદ્દાઓ પર ઘેરી હતી.

સતીશને માત્ર ગઠબંધનના કાર્યકરોનું મનોબળ જ નથી વધાર્યું, પરંતુ પાયાના સ્તરે પક્ષને ફરીથી સક્રિય કર્યો છે. તેઓ તેમની બિનસાંપ્રદાયિક છબી અને સંસદીય હસ્તક્ષેપ માટે જાણીતા છે. તેઓ પુસ્તક પ્રેમી રાજકારણી તરીકે પણ પ્રખ્યાત છે, જેમણે માત્ર 2025માં જ 60 થી વધુ પુસ્તકો વાંચ્યા હતા.

નવી પેઢીના પ્રભાવશાળી નેતા

સતીશનની ઓળખ એક આક્રમક વક્તા અને સરકારને ઘેરનાર વિપક્ષી નેતા તરીકે બની છે. કેરલમમાં ભ્રષ્ટાચાર, વહીવટી નિર્ણયો અને કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર તેમણે સતત ડાબેરી સરકારને પડકાર ફેંક્યો છે. પક્ષની અંદર પણ તેમનો સમાવેશ નવી પેઢીના પ્રભાવશાળી નેતાઓમાં થાય છે.