Tue Sep 08 2026

Logo

94 લાખની છેતરપિંડીના કેસમાં બે આરોપી રાયપુરથી પકડાયા

2026-08-08 18:52:16
Author: Yogesh C. Patel
94 લાખની છેતરપિંડીના કેસમાં બે આરોપી રાયપુરથી પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોઈ પણ પ્રકારના સામાનની લે-વેચ વિના બોગસ ઈ-વે બિલ અને ખોટી પાવતીઓ બનાવી ગોરેગામની કંપની સાથે આશરે 94 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં બે વર્ષે પોલીસે બે આરોપીને છત્તીસગઢના રાયપુર ખાતેથી પકડી પાડ્યા હતા.વનરાઈ પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ કમલેશ સાહુ અને વીરેન્દ્ર તન્વર તરીકે થઈ હતી. આ છેતરપિંડીમાં ફરિયાદીની કંપનીના તત્કાલીન ઝોનલ હેડ દેવ શર્માની પણ સંડોવણી સામે આવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર શર્માની સાઠગાંઠથી મુખ્ય આરોપી કમલેશ સાહુએ આ કાવતરું ઘડ્યું હોવાનું કહેવાય છે. બે કંપની સાથે વ્યવહારના ખોટાં ઈ-વે બિલ, ખોટી પાવતીઓ, પ્રાપ્તકર્તા કંપનીના બનાવટી સ્ટૅમ્પની મદદથી આ છેતરપિંડી આચરાઈ હતી. કોઈ સામાનની લેવડદેવડ ન થઈ હોવા છતાં કંપની પાસેથી નાણાં વસૂલવામાં આવ્યાં હતાં. આશરે 94 લાખ રૂપિયાની છેતરપિંડીની જાણ થતાં કંપનીના પ્રશાંત શેટ્ટીકરે ફરિયાદ નોંધાવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને રાયપુરમાં રહેતા હોવાની માહિતીને આધારે એક ટીમ ત્યાં રવાના કરાઈ હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી ગુરુવારે સેક્ટર-27માંથી કમલેશને અને પીછો કરીને અરણ્ય ભવન નજીકથી વીરેન્દ્રને તાબામાં લેવાયા હતા. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બન્નેને મુંબઈ લાવી વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી.