Thu Jan 29 2026

Logo

White Logo

'વંદે માતરમ'ને 'જન-ગણ-મન' જેટલું જ સન્માન અપાવશે મોદી સરકાર: તૈયાર કરી રહી છે નવો પ્રોટોકોલ

4 days ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: બંકિમચંદ્ર ચટ્ટોપધ્યાય દ્વારા રચિત 'વંદે માતરમ' 1905ની સ્વદેશી ચળવળ દરમિયાન આઝાદીનું મુખ્ય પ્રતીક બન્યું હતું. આઝાદી સમયે 'વંદે માતરમ'ને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. આ ગીતનું ગૌરવ પણ રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' જેટલું જ છે. પરંતુ તેના ગાયન દરમિયાન થતા અપમાન બદલ કોઈ દંડાત્મક જોગવાઈ નથી. જેને લઈને કેન્દ્ર સરકાર નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે.

ગૃહ મંત્રાલયની બેઠકમાં નવા પ્રોટોકોલની ચર્ચા

રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' માટે એક ખાસ પ્રોટોકોલ છે. રાષ્ટ્રગીત ગાતી વખતે  ઊભા રહેવું ફરજિયાત છે. તેનું ગાન પર 52 સેકન્ડમાં પૂરૂ કરવાનું હોય છે. જો રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવે તો  1971ના કાયદા હેઠળ સજા થઈ શકે છે. પરંતુ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' માટે આવો કોઈ નિયમ નથી. વર્ષ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, વંદે માતરમ માટે હાલમાં કોઈ દંડાત્મક જોગવાઈઓ નથી. તેથી હવે સરકાર રાષ્ટ્રીય ગીતને તેના મૂળ ગૌરવ સાથે પુનઃસ્થાપિત કરવા અને તેના પ્રત્યેના આદરને કાનૂની માળખામાં લાવવા માંગે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ગૃહ મંત્રાલયની એક બેઠક થઈ હતી. જેમાં  'વંદે માતરમ'ના ગાન માટે પ્રોટોકોલ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ હતી. શું વંદે માતરમ ગાતી વખતે ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ? તેના ગાયન માટે ચોક્કસ સ્થળ, સમય અને રીતભાતની માર્ગદર્શિકા તૈયાર કરવી. જો કોઈ આ ગીતનું અપમાન કરે, તો તેની સામે દંડ અથવા કાનૂની કાર્યવાહીની જોગવાઈ કરવી, જેવા મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

'વંદે માતરમ'ને લઈને કૉંગ્રેસ પર આરોપ

ઉલ્લેખનીય છે કે, વંદે માતરમ ગીતની વર્ષ 2025માં 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ભાજપે કૉંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ અને ભાગલાના આરોપ લગાવીને કહ્યું હતું કે, 1937 માં કોંગ્રેસના અધિવેશનમાં આ ગીતના કેટલાક શ્લોકો દૂર કરાયા હતા. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ ઇતિહાસને પોતાની રીતે રજૂ કરી રહી છે અને વાસ્તવિકતા અલગ હતી.