Thu Jan 29 2026

Logo

White Logo

અજિત પવારનું પ્લેન કેવી રીતે ક્રેશ થયું? જુઓ વાયરલ CCTV ફૂટેજ

19 hours ago
Author: Mumbai Samachar Team
Video

બારામતી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આજે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. પ્લેન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. પ્લેન જોરદાર ધડાકા સાથે ક્રેશ થતા દૂરદૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. આ ભયાનક દુર્ઘટનાના હવે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

20 મિનિટ સુધી વિમાન આગમાં લપેટાઈ રહ્યું

CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે, લેન્ડિંગ દરમિયાન વિમાને અચાનક બેલેન્સ ગુમાવ્યું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ સાથે તે જમીન પર ટકરાઈને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. ચારે તરફ ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, ચારે થોડીવાર સુધી લોકો નજીક જવાની પણ હિંમત કરી શક્યા ન હતા. લગભગ 20 મિનિટ સુધી વિમાન વિકરાળ આગની લપેટમાં રહ્યું હતું.

અજિત પવારની ઓળખ કરવી મુશ્કેલ બની

વિમાન દુર્ઘટનામાં તમામ પાંચે લોકોના મૃતદેહો એટલી ખરાબ રીતે સળગ્યા હતા કે, રેસ્ક્યૂ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે અજિત પવારની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. અધિકારીઓના જણાવ્યાનુસાર, ખાસ ઘડિયાળ અને બેલ્ટના આધારે આધારે અજિત પવારની ઓળખ કરવામાં આવી હતી. અજિત પવારના પરિવારજનો અને સુરક્ષાકર્મીઓએ પણ તેમના સામાનની ઓળખ કરી હતી. 

મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો શોક જાહેર

ઉલ્લેખનીય છે કે, બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ઇન્વેસ્ટિગેશન ટીમ દિલ્હીથી બારામતી આવવા માટે રવાના થઈ ચૂકી છે. આ ટીમ પ્લેન ક્રેશના કારણો, ટેક્નિકલ ખામીઓ અને માનવીય પાસાઓની તપાસ કરશે. જોકે, હાલ નાયબ મુખ્ય પ્રધાનના મૃત્યુને લઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દુખ વ્યક્ત કર્યુ છે અને મહારાષ્ટ્રમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે અને પીડિતોના પરિવારજનોને શક્ય બની શકે તેટલી સહાય કરવાનું વચન આપ્યું છે.