Tue Sep 15 2026

Logo

શું તમે પણ છો રીલના રસિયા? તો વડનગરની વિરાસત દુનિયાને બતાવીને જીતી શકો ઈનામ

2026-08-02 18:37:10
Author: Devayat Khatana
શું તમે પણ છો રીલના રસિયા? તો વડનગરની વિરાસત દુનિયાને બતાવીને જીતી શકો ઈનામ

અમદાવાદ: આજનો જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિતના પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો કે રીલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. જો કે સોશિયલ મીડિયા માત્ર મનોરંજન નહિ પણ આવકનું પણ સશક્ત સ્ત્રોત છે જ, ત્યારે જો તમે પણ રીલના રસિયા છો અને કેમેરાનું આંખ વડે એક બીજી દુનિયા દેખાડવાની તાકાત ધરાવો છો તો તમારા માટે ગુજરાત સરકારની એક પહેલ તમને 31 હજાર રૂપિયાની ઈનામ અપાવી શકે છે. 

જી હા! અહી વાત કરવામાં આવી રહી છે ગુજરાત સરકારની 'શ્રાવણોત્સવ 2026' ની પહેલની. જેનું કેન્દ્ર છે ગુજરાતની પ્રાચીન નગરી વડનગર! કે જેની દરેક ગલી અને પ્રત્યેક પથ્થરમાંસંસ્કૃતિ, સ્થાપત્ય અને સંસ્કારની એક અદભુત ગાથા  છુપાયેલ છે. 'શ્રાવણોત્સવ 2026' નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા MyGov પ્લેટફોર્મના સહયોગથી પવિત્ર શ્રાવણ માસના ચાર અઠવાડિયા દરમિયાન ચાર અલગ-અલગ થીમ પર રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

મળતી વિગતો અનુસાર, 'અનંત અનાદિ વડનગર' થીમ સાથે આજથી એટલે 2 ઓગષ્ટથી તા.5 ઓગસ્ટ સુધી આયોજિત પ્રથમ રીલ સ્પર્ધામાં ભાગ લઈ આ ઐતિહાસિક નગરીની વિરાસતને કેમેરા, કલ્પનાશક્તિ અને ક્રિએટિવિટી થકી દુનિયા સામે એક નવા અંદાજમાં રજૂ કરવાનો અમૂલ્ય અવસર છે. પુરસ્કાર પ્રાપ્ત કરવાની તક સાથે તમામ સ્પર્ધકો આ ચારેય રીલ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે.

આ પહેલ માટે રીલ બનાવવા માટે અમુક આવશ્યકતાઓ છે. જેનો સમયગાળો 1 થી 3 મિનિટનો રહેશે. આ રીલની ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી રહેશે.  તેમજ MP4,  AVI અને  MOV ફોર્મેટમાં બનાવવામાં આવશે.  જો કે આ માટે માત્ર ઓરિજિનલ વિડિયો જ સ્વીકાર્ય રહેશે એટલે કે AI દ્વારા બનાવેલ અથવા સ્ટોક ફૂટેજ માન્ય રહેશે નહીં. આ પહેલમાં જીતનારને રોકડ ઈનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 31,000, દ્વિતીય વિજેતાને રૂ. 21,000 અને તૃતીય વિજેતાને રૂ. 11,000ને એનાયત કરવામાં આવશે.