Mon Jun 01 2026

Logo

તીર્થયાત્રાઃ ચારધામ યાત્રાની શ્રેણી આપણી સૌથી પવિત્ર નદીઓનું ઉદ્ગમસ્થાન ઉત્તરાખંડમાં છે

2026-06-01 10:31:00
Author: BhaanDev
Article Image

ભાણદેવ

આપણાં સૌથી મહત્ત્વનાં તીર્થો ઉત્તરાખંડમાં છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ, પંચકેદાર, સપ્તબદરી, ચૌદ પ્રયાગ, ઉત્તરકાશી, ગોમુખ, તપોવન, નંદનવન, સતોપથ, હેમકુંડ આદિ સૌથી મહત્ત્વનાં તીર્થો ગણાય છે અને આ બધાં હિમાલયનાં તીર્થો ઉત્તરાખંડમાં છે. આપણી સૌથી પવિત્ર નદીઓનું ઉદ્ગમસ્થાન ઉત્તરાખંડમાં છે. 

યમુના, ભાગીરથી, મંદાકિની, અલકનંદા, સરયૂ, શારદા, ધૌલીગંગા આદિ નદીઓને વિશેષ પવિત્ર નદીઓ ગણવામાં આવે છે અને આ બધી નદીઓ ઉત્તરાખંડમાંથી નીકળે છે. આપણાં નોંધપાત્ર અને વિશિષ્ટ મહત્ત્વનાં પવિત્ર પર્વતશિખરો પણ ઉત્તરાખંડમાં છે. નરપર્વત, નારાયણપર્વત, નીલકંઠ, નંદાદેવી, દ્રોણાચલ, દ્રોણગિરિ, શ્રીકૈલાસ, શિવલિંગ, સતોપથ, સ્વર્ગારોહિણી, ભાગીરથ 1-2-3 મેરુ, સુમેરુ, કેદારશિખર આદિ પવિત્ર પર્વતશિખરો આ વિસ્તારમાં છે.

સામાન્ય જનસમાજમાં હિમાલયની તીર્થયાત્રા એટલે ઉત્તરાખંડની તીર્થયાત્રા એમ ગણાય છે. તેમને મન ઉત્તરાખંડ એટલે હિમાલય અને હિમાલય એટલે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ સિવાયના હિમાલયમાં પણ ઘણાં તીર્થો છે અને મૂલ્યવાન તીર્થો છે, પણ સામાન્યત: ઉત્તરાખંડને વિશેષ રીતે તીર્થભૂમિ ગણવામાં આવે છે. તેનાથી ઉત્તરાખંડની વિશેષતા સૂચિત થાય છે. સંન્યાસ ગ્રહણ કર્યા પછી નવસંન્યાસી માટે ઉત્તરાખંડનાં તીર્થોની પગપાળા યાત્રાનું વિધાન છે.

સૃષ્ટિ સૌન્દર્યની દૃષ્ટિએ પણ આ વિસ્તાર અત્યંત સમૃદ્ધ છે.
હિમાલયના બધા ખંડોમાંથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશ મુસ્લિમ આક્રમણનો  ભોગ બન્યા છે, તેથી તે બંને વિસ્તારોમાં મંદિરોની તોડફોડ ખૂબ થઈ છે. કાશ્મીર તો ધર્મ અને સંસ્કૃતિની દૃષ્ટિએ મહદ્અંશે ઈસ્લામિક બની ગયું છે. હિમાચલ પ્રદેશ પર પણ કંઈ અસર જોવા મળે છે. હિમાલયના બાકીના ખંડોમાં મુસ્લિમ આક્રમણકારો પહોંચ્યા નથી. ઉત્તરાખંડ પણ મુસ્લિમ આક્રમણથી મુક્ત રહી શક્યો છે, તેથી આ વિસ્તારમાં મંદિરોની તોડફોડ થઈ નથી તેમ જ જનજીવન, ધર્મ અને સંસ્કૃતિ પર ઈસ્લામિક અસર ખાસ જોવા મળતી નથી.

મુસ્લિમ આક્રમણના કાળમાં પોતાના ધર્મને બચાવવા માટે લાખો માણસો મેદાની વિસ્તાર છોડીને હિમાલયના આ વિસ્તાર ઉત્તરાખંડમાં આવીને વસ્યા છે. તેમના વંશજોથી આ વિસ્તાર ભરપૂર છે. હિમાલયના લગભગ બધા વિસ્તારોના ઉત્તરી વિભાગમાં બૌદ્ધોની વસતિ છે. કાશ્મીર વિભાગમાં લડાખ બૌદ્ધધર્મી છે. હિમાલય પ્રદેશમાં લાહુલ સ્પિતિ અને ક્ધિનર પ્રદેશ બૌદ્ધધર્મી છે. નેપાલનો ઉત્તરી વિસ્તાર બૌદ્ધધર્મીઓથી ભરપૂર છે. સિક્કિમ અને ભૂતાન તો બૌદ્ધધર્મી છે જ. અરુણાચલમાં પણ બૌદ્ધ ધર્મ છે.
 
ઉત્તરાખંડમાં આમાં અપવાદરૂપ છે. ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારમાં છેક તિબેટની સરહદ સુધી પણ ક્યાંય બૌદ્ધોની વસતિ નથી. મુસ્લિમો પણ આ વિસ્તારમાં નથી. ઉત્તરાખંડ મહદ્અંશે હિન્દુ વસતિ ધરાવતો ખંડ છે.

ઉત્તરાખંડના બે મુખ્ય વિભાગ છે: ગઢવાલ અને કુમાઉ. ગઢવાલના પણ બે વિભાગ છે: ટિહરી ગઢવાલ અને પૌડી ગઢવાલ. એક છત્ર ગઢવાલ રાજ્યની રચના થઈ ત્યાર પહેલાં આ વિસ્તાર અનેક નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાયેલો હતો. દરેક રાજા પોતાના વિસ્તારનો સાર્વભૌમ શાસક ગણાતો. નાના-નાના અનેક રાજાઓ અને તેમના દ્વારા બંધાયેલા અનેક ગઢ આ વિસ્તારમાં હતા.

ગઢની પ્રચૂરતાને કારણે આ વિસ્તારનું નામ ગઢવાલ પડ્યું છે. પંવાર-વંશના રાજા અજયપાલે આ બધા રાજાઓને જીતીને વિશાળ ગઢવાલ રાજ્યની સ્થાપના કરી. પ્રારંભમાં તેમની રાજધાની ચંદ્રપુર-ગઢમાં હતી. આ કિલ્લો કર્ણપ્રયાગથી આદિબદરીના રસ્તાની બાજુના એક પહાડ પર છે. તે હવે ખંડેર હાલતમાં છે. ત્યારપછી ગઢવાલની યથાર્થ પ્રથમ રાજધાની શ્રીનગરમાં થઈ.

આ ગાળામાં ગોરખાઓએ ગઢવાલ પર આક્રમણ કર્યું. ગઢવાલના રાજાએ અંગ્રેજોની મદદ માગી અને અંગ્રેજોની મદદથી ગોરખાઓને હાંકી કાઢ્યા. ગઢવાલના રાજા પોતાનું રાજ્ય તો સંભાળી શક્યા, પણ રાજ્યનો કેટલોક વિસ્તાર તેમણે અંગ્રેજોને આપી દેવો પડ્યો. શ્રીનગર અંગ્રેજોના વિસ્તારમાં ગયું. તેથી તેમણે નવી રાજધાની કીર્તિનગરમાં વસાવી. ત્યારપછી ટિહરી વસાવ્યું અને રાજધાની ટિહરીમાં બદલી. અંગ્રેજોએ પોતાના વિસ્તારનું વડું મથક પૌડીમાં રાખ્યું. 

આ રીતે ગઢવાલના બે વિભાગ થયા. અંગ્રેજોના તાબાનું પૌડી ગઢવાલ અને ગઢવાલના ક્ષત્રિય રાજાઓની ટિહરી ગઢવાલ. છેલ્લે ટિહરીના રાજાએ રાજધાની ટિહરીથી બદલીને નવા બાંધેલા નગર નરેન્દ્રનગરમાં બદલી. આ રીતે ગઢવાલની રાજધાની વારંવાર બદલતી રહી છે. અત્યારે ટિહરી પાસે ગંગા પર મોટો ડેમ બંધાયેલ છે. તેથી પહાડ પર નવું ટિહરીનગર વસાવવામાં આવ્યું છે, એટલે ટિહરીના લોકો નવા ટિહરી નગરમાં વસવા માટે ગયા છે.

ઉત્તરાખંડનો બીજો વિભાગ કુમાઉં છે. તેનું પ્રાચીન નામ કૂર્માંચલ છે. પૌરાણિક માન્યતા એવી છે કે કુમાઉખંડના ચંપાવત-વિસ્તારમાં કૂર્મભગવાનનો અવતાર થયો હતો, તેથી આ પર્વતીય વિસ્તારનું નામ કૂર્માંચલ પડ્યું છે. ખરેખર મૂળ કૂર્માંચલ તો આ ચંપાવત-વિસ્તારનું નામ છે, પણ કાળે કરીને આ નામ આ આખા ખંડ માટે પ્રચલિત બન્યું છે.

કુમાઉ રાજ્યનું મૂળ પાટનગર ચંપાવત છે. ત્યારપછી રાજા કલ્યાણચંદ્રે ઈ. સ. 1560માં અલમોડાની સ્થાપના કરી અને સત્તાનું કેન્દ્ર અલમોડામાં ફેરવાયું.

કુમાઉં-વિસ્તારમાં 20,000 ફૂટથી અધિક ઊંચાઈનાં 80 હિમશિખરો છે. મહાત્મા ગાંધીજી કુમાઉંના કૌશાની નામના સ્થાનમાં રહ્યા હતા અને કુમાઉંના સૃષ્ટિસૌંદર્ય અને હવામાનથી ઘણા પ્રસન્ન થયા હતા. કૈલાસ-માનસરોવરની યાત્રા માટે અનેક પગપાળા માર્ગ છે, પરંતુ અત્યારે જે માર્ગે જવાય છે તે કુમાઉંમાંથી પસાર થાય છે, તેથી વર્તમાન પરંપરા મુજબ કૈલાસ માનસરોવરના યાત્રીએ આવતાં અને જતાં કુમાઉંમાંથી પસાર થવું પડે છે.

ઉત્તરાખંડના લોકો સરળ, પ્રામાણિક, ધર્મપરાયણ અને મહેનતુ છે. યાત્રીઓ તરફનો તેમનો વહેવાર ઘણો સારો છે. યાત્રીઓને તેઓ ઘણી સારી રીતે ઉપયોગી થાય છે. ચોરી, છેતરપિંડી, લૂંટ આદિ પ્રસંગો બનતા નથી. યાત્રી નિર્ભયતાથી ગમે તે વિસ્તારમાં ફરી શકે છે. ચીનના 1962ના આક્રમણ પછી સરહદી વિસ્તારમાં જવા માટે લશ્કરી અધિકારીની પરમિટની જરૂર પડે છે, એટલે યાત્રીએ પોતે જે વિસ્તારની યાત્રા કરવાની ઈચ્છા હોય તે વિસ્તારમાં પરમિટની જરૂર છે કે નહીં તે જાણીને જો જરૂર હોય તો પરમિટ મેળવીને પછી આગળ જવું જોઈએ.

ઉત્તરાખંડની યાત્રા પ્રદક્ષિણાક્રમે થાય છે, એટલે કે પશ્ચિમ છેડાથી પ્રારંભીને પૂર્વ તરફ જવાય છે. એ મુજબ યમુનોત્રીથી યાત્રાનો પ્રારંભ થાય છે અને પૂર્વ તરફ આગળ ચાલે છે.