મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા તેની સ્થાપનાનાં 250 વર્ષ પૂરાં કર્યાનો ઉત્સવ મનાવી રહ્યો છે. અઢી સદી પહેલાં, 4 જુલાઈ 1776ના રોજ અમેરિકાના સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવી હતી. આટલા ટૂંકા ઇતિહાસ છતાં પણ આ દેશ આજે દુનિયાનો સૌથી તાકાતવર, સમૃદ્ધ અને સૌથી આઝાદ દેશ કેવી રીતે બની ગયો તે આખી દુનિયા માટે અભ્યાસનો અને પ્રેરણાનો વિષય રહ્યો છે.
અમેરિકા કેમ મહાન છે તેની આ ચર્ચામાં એક અગત્યનો સૂર ઊઠ્યો છે તેની મલ્ટિનૅશનલ કંપની પેપ્સિકોની ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂઈનો. ભારતીય મૂળની આ પહેલી અમેરિકન મહિલા સીઈઆએે કહ્યું છે, ‘હું દુનિયાના બીજા કોઈ દેશમાં સીઈઓ બની શકી નહોત - ભારતમાં પણ નહીં. અમેરિકામાં આ સંભવ બન્યું, કારણ કે ત્યાંની વ્યવસ્થા વ્યક્તિની યોગ્યતાને મહત્ત્વ આપે છે. ત્યાંના લોકોને એ ફરક નથી પડતો કે તમે પુરુષ છો કે મહિલા, તમે કયા દેશમાંથી આવો છો અથવા તમારો રંગ કેવો છે. તેમને કેવળ ઉત્તમ પ્રતિભાથી મતલબ છે.’
સ્વાભાવિક રીતે જ આ બયાન પર મતભેદ થવાનો જ હતો. અમુક લોકોએ તેને અમેરિકાનું મહિમામંડન ગણાવ્યું,
અમુક લોકોએ કહ્યું કે અમેરિકામાં પણ નક્સલવાદ, અસમાનતા અને ભેદભાવ મોજૂદછે. અમુકે કહ્યું કે અમેરિકા કોઈ આદર્શ સમાજ નથી, ત્યાં પણ અનેક સમસ્યાઓ છે.
આ વાત સાચી છે, પરંતુ આ દલીલોથી એક બીજો પ્રશ્ર્ન ખતમ થઈ જતો નથી. જો અમેરિકા દોષપૂર્ણ દેશ હોય તો દુનિયાના સૌથી પ્રતિભાશાળી લોકો આજે પણ ત્યાં જવા કેમ ઇચ્છે છે? કેમ દર વર્ષે લાખો લોકો ઘર-બાર, દેશ, ભાષા અને સંસ્કૃતિ છોડીને અમેરિકામાં વસવાનું સપનું જુવે છે? કેમ લોકો જીવ અને જીવનના જોખમે ગેરકાનૂની રીતે અમેરિકાની સરહદોમાં ઘૂસે છે?
તેનો ઉત્તર કેવળ વેતન કે ડૉલર નથી. કેવળ પૈસાની જ વાત હોત તો દુનિયાના અન્ય અનેક દેશ પણ એટલા જ આકર્ષક છે.
અમેરિકાની અસલી તાકાત એ વ્યવસ્થા છે, જે કમ-સે-કમ એટલો વિશ્ર્વાસ તો આપે છે કે જો તમારી પાસે પ્રતિભા હોય, તમારામાં મહેનત કરવાની વૃત્તિ હોય અને તમારામાં નવું કરવાનું સાહસ હોય તો તમારી સામે આગળ વધવાનો રસ્તો ખુલ્લો છે.
દુનિયાના મોટા ભાગના દેશોમાં વ્યક્તિના જન્મની સાથે જ તેનું ભવિષ્ય નક્કી થઈ જાય છે. તમારો પરિવાર કોણ છે, તમારી અટક શું છે, તમારો ધર્મ, તમારી જાત, તમારું સામાજિક સ્થાન શું છે અને તમારા સંબંધો કેટલા તાકાતવર છે તેના પર તમારો આગળનો રસ્તો નક્કી થાય છે, નહીં કે પ્રતિભા કે લાયકાતથી. અમેરિકા અહીં અલગ પડે છે.
અમેરિકાએ તેની સ્થાપનાના સમયથી જ એ વિચારનો સ્વીકાર કર્યો હતો કે વ્યક્તિનું મૂલ્ય તેના જન્મથી નહીં પણ તેની ક્ષમતાથી નક્કી થવું જોઈએ. વ્યવહારમાં આ આદર્શ ભલે પૂરેપૂરો લાગુ નથી થઈ શક્યો, પણ એટલું જરૂર છે કે આ વિચારે લાખો લોકોને એવો વિશ્ર્વાસ જરૂર અપાવ્યો છે કે તેઓ તેમનું તકદીર ખુદ બદલી શકે છે.
એટલા માટે જ અમેરિકાને પ્રવાસીઓનો દેશ કહેવામાં આવે છે. ઓગણીસમી અને વીસમી સદી વચ્ચે કરોડો લોકો યુરોપ અને વિભિન્ન દેશોમાંથી અમેરિકા પહોંચ્યા હતા. આયર્લેન્ડમાં દુકાળ પડ્યો તો લાખો લોકો ત્યાંથી નીકળી પડ્યા. ઇટલી, જર્મની, પૉલેન્ડ અને રશિયાના ગરીબ લોકો બહેતર જીવનની તલાશમાં અમેરિકા આવ્યા હતા.
ન્યૂયોર્કના એલિસ આઇલૅન્ડ પર ઉતરનારા આ લાખો લોકો માટે (એમાં એક પરિવાર ડોનલ્ડ ટ્રમ્પના પૂર્વજોનો પણ હતો) અમેરિકા એક ભૌગોલિક સ્થાન નહીં, એક સંભાવના હતું.
વીસમી સદીના ઉતરાર્ધમાં આ જ કહાની એશિયા સાથે દોહરાવાઈ. ભારત, ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને બીજા અનેક દેશોના વૈજ્ઞાનિકો, ઇજનેરો, ડૉક્ટરો અને શોધકર્તાઓ અમેરિકા પહોંચ્યા હતા. આજની મોટી ટેક્નૉલૉજિકલ કંપનીઓમાં આ વાત વધુ સ્પષ્ટ છે. ગૂગલનું નેતૃત્વ ભારતીય મૂળના સુંદર પિચાઈએ કર્યું છે,
માઇક્રોસૉફ્ટની કમાન ભારતના સત્ય નડેલાએ સંભાળી છે, એનવીડિયાના સંસ્થાપક અને સીઈઓ જેન્સેન હુઆંગ તાઇવાનથી આવેલા પ્રવાસી પરિવારનું સંતાન છે, એડોબના શાંતનુ નારાયણ ભારતથી ગયેલા છે અને ઈન્દ્રા નૂઈની વાત તો આપણે અહીં શરૂઆતમાં કરી જ છે.
ઇતિહાસમાં પાછળ જઈએ તો પણ આવી કહાનીઓ મળે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સૌથી મોટો અવસર અમેરિકાએ આપ્યો હતો. ઇટલીના વૈજ્ઞાનિક એનરિકો ફર્મી, હંગેરીના મહાન ગણિતજ્ઞ જોન વોન ન્યૂમેન અને સર્બિયાના નિકોલ ટેસ્લા જેવાં અસંખ્ય નામો બતાવે છે કે આધુનિક વિજ્ઞાન અને આંત્ર્પ્રેન્યોરશિપના ઇતિહાસમાં કેવળ અમેરિકન લોકોનું જ યોગદાન નથી. ત્યાં લાખો પ્રવાસીઓનાં સપનાંને જગ્યા મળી છે અને તેમણે તેને મહાન બનાવ્યો છે.
સિલિકોન વૅલીની ઑફિસોમાં આજે પણ ભારતીયો, ચીની, ઈરાની, ઇઝરાયેલી, રશિયન, યુરોપિયન અને લેટિન અમેરિકન મૂળના લોકો એક સાથે કામ કરી રહ્યા છે. આ દેશમાં વિચારોની હરીફાઈ થાય છે, પાસપોર્ટની નહીં. એ સંયોગ નથી કે ઇન્ટરનેટ, કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમીકંડકટર, બાયાટેક્નૉલૉજી અને અંતરીક્ષ વિજ્ઞાનમાં અમેરિકા લગાતાર નેતૃત્વ કરતું આવ્યું છે. તેની સૌથી મોટી મૂડી તેલના કૂવા કે પ્રાકૃતિક સંસધાન નથી. તેની સૌથી મોટી મૂડી એ વૈશ્વિક પ્રતિભાઓ છે જેને તે બે હાથ ખુલ્લા કરીને આવકારે છે.
વાસ્તવમાં પ્રતિભા કોઈ એક દેશની સંપત્તિ નથી હોતી. તે પૂરી દુનિયામાં સમાન રૂપે જન્મે છે. ફરક કેવળ એટલો જ હોય છે કે કયો સમાજ તેને ઓળખે છે અને કયો સમાજ તેને ઓળખતાં પહેલાં તેનાં નામ, જાતિ, ધર્મ, લિંગ કે સામાજિક પદનો હિસાબ લગાવે છે.
જ્યાં અવસર સીમિત હોય ત્યાં પ્રતિભા ધીમે-ધીમે નિરાશ થઈ જાય છે અને બીજે નજર દોડાવે છે. આ જ કારણ છે કે ‘બ્રેન ડ્રેન’ કેવળ આર્થિક ઘટના નથી. તે વિશ્ર્વાસનું સંકટ છે. લોકો પોતાનો દેશ એટલા માટે નથી છોડતા કે તેમની ધરતી માટે તેમને પ્રેમ નથી. તેઓ એટલા માટે જાય છે, કારણ કે તેમને લાગે છે કે બીજે ક્યાંક તેમની યોગ્યતાને વધુ સન્માન મળશે.
એ વાત પણ સાચી છે કે અમેરિકાની યાત્રા આસાન નથી રહી. અશ્ર્વેતોના અધિકારો માટે લાંબો સંઘર્ષ થયો છે, મહિલાઓને બરાબરીનો દરજ્જો મળતાં દાયકાઓ લાગ્યા છે અને પ્રવાસીઓ પ્રત્યે સમય-સમય પર સંદેહ અને વિરોધ ઊભરતા રહ્યા છે, પરંતુ એ કમજોરીઓ છતાં અમેરિકાએ ખુદમાં સુધાર કરવાની ક્ષમતા બતાવી છે. એટલા માટે આજે પણ તેની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે અને સિલિકોન વૅલીની અનેક સફળ કંપનીઓમાં એવા લોકો કામ કરે છે જેમનો જન્મ અમેરિકામાં થયો નથી.
અમેરિકાની આર્થિક અને વૈજ્ઞાનિક શક્તિ પાછળ જો કોઈ વિચાર સૌથી વધુ મહત્ત્વનો હોય તો તે એ છે કે પ્રતિભા દુનિયાના કોઈ પણ ખૂણેથી આવે, તેનું સ્વાગત કરવું જોઈએ. તેની અસલી તાકાત એ વિશ્ર્વાસમાં છે જે તેના નાગરિકો અને દુનિયાના પ્રતિભાશાળી લોકોની અંદર પેદા થાય છે. જે સમાજ એમ પૂછે કે ‘તમે કોણ છો?’ તે ધીમે-ધીમે સીમિત થતો જાય છે. જે સમાજ એવું પૂછે કે ‘તમે શું કરી શકો તેમ છો?’ તે ભવિષ્યનું નેતૃત્વ કરે છે.