કેસવેલ કાઉન્ટીઃ અમેરિકામાં હિંસાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ફરી અમેરિકાના ઉત્તર કેરોલિના રાજ્યના કેસવેલ કાઉન્ટીમાં આવેલા એક ઘરમાં અંધાધૂન ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં અનેકના મોત થયાં હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. ફાયરિંગ થયું હોવાની આસપાસના વિસ્તારોમાં ભારે હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઉત્તર કેરોલિનાના સ્ટેટ બ્યૂરો તપાસ અધિકારીએ પણ આ મામલે જાણકારી આપી હતી.
ફાયરિંગ શા માટે થયું તેની તપાસ શરૂ કરવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બુધવારે સવારે 8 વાગ્યની આસપાસ અહીં એક ઘરમાં ફાયરિંગ થયું હોવાની પોલીસને સૂચના મળી હતી. પોલીસને જાણ થતાની સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં કેટલાક લોકો ઘાયલ થયેલા મળ્યાં હતાં. આમાંથી એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયાં હતાં.
આ મૃતકોમાં એક હુમલાખોર પણ સામેલ
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મૃતકોમાં એક હુમલાખોર પણ સામેલ છે. કુલ ત્રણ પરિવારના સભ્યોના મોત થયાં છે, જેમાં એક સંબંધ પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, આ ગોળીબાર શા કારણે થયો? શું કારણ હતું અને હુમલાખોર કોણ હતા? તેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અમેરિકામાં પહેલા પણ ગોળીબારની અનેક ઘટનાઓ બની
આ પહેલા પણ અમેરિકામાં આવી રીતે ગોળીબારની અનેક મોટી ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે. તારીખ 02 ઓગસ્ટે ઓરેગન પોર્ટલન્ડમાં પણ ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તે પછી એક ઓગસ્ટે પણ ઈડાહોના ટ્વિન ફોલ્સ શહેરમાં ગોળીબાર થયો તેમાં ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં હતાં.