Sun Jul 05 2026

Logo

અમેરિકામાં ભારતીય ગ્રોસરી સ્ટોરના ઉદ્ધાટન પર શાકભાજી લેવામાં પડાપડી, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ

New Jersey   2026-07-04 17:55:44
Author: Mumbai Samachar Team
Article Image

ન્યૂ જર્સીઃ અમેરિકાની દરેક એવી ગતિવિધિ પર દુનિયાના અનેક દેશની નજર હોય છે. ખાસ કરીને ભારતીયોની પ્રવૃતિઓને લઈને જ્યારે કોઈ વાત સમાચાર બને છે ત્યારે એ સોશિયલ મીડિયા પર અચૂક વાયરલ થઈ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો વસ્તુઓ લેવા માટે પડાપડી કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

આ વિડિયો પર લોકો દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, અમેરિકા હોય કે આપણું ગામ, કાગડા બધે જ...અમેરિકાની જ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસરે તો કેપ્શનમાં જ લખી દીધુ કે અનકંટ્રોલેબલ.

શું છે આખરે આ વિડિયોમાં?

ખાસ કરીને ભારતીય શાકભાજી અને ફ્રૂટ પર લોકો રીતસરના તૂટી પડ્યા હતા. રસ્તા પર કોઈ શાકભાજી કે ફ્રૂટનો ટ્રક પડી ભાંગ્યો હોય અને જે પ્રકારની લૂંટ મચે એવું ચિત્ર આ સ્ટોરમાં જોવા મળ્યું હતું.સૌથી મોટી અને ખાસવાત એ છે કે, આ સ્ટોરનું હજું ઉદ્ધાટન થયું નથી. આગલા દિવસે આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.

સ્ટોરમાં ભારતીય શાકભાજી અને ફ્રૂટ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું. આ કારણે મોટી સંખ્યામાં ગ્રાહકો વસ્તુ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ વાયરલ વિડિયો સાથે સૌથી વધારે ચર્ચા પરવલના શાકની થઈ રહી છે. જે માત્ર 1.99 અમેરિકી ડૉલરમાં કિલો લેખે આપવામાં આવતી હતી. આને ભારતીય ચલણ અનુસાર જોવામાં આવે તો  ₹189 થાય છે. આ ઓફરની જાણકારી મળતા જ લોકો રીતસરના વસ્તુ લેવા માટે તૂટી પડ્યા હતા. સ્ટોરી જેવી મોટી શૉપમાં જાણે લૂંટ મહોત્સવ ચાલી રહ્યો હોય એવું ચિત્ર હતું. 

પૈસા આપવા પણ લાઈન લાગી

ચેકઆઉટ માટેના કાઉન્ટર ઉપર પણ મોટી સંખ્યામાં લોકો પૈસા આપવા માટે લાઈનમાં ઊભા હતા. વસ્તુઓથી ટ્રોલી ભરેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તો આને બ્લેક ફ્રાઈ-ડે સેલ એવું નામ આપી દીધું હતું. કેટલાક યુઝરે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, આને કહેવાય અમેરિકન સબ્જીમંડી, સ્ટોરમાં આગલા દિવસે જ તાજી ભારતીય સબ્જી રાખવામાં આવી હતી.

તાજુ શાકભાજી લેવા માટે લોકોએ દોટ મૂકી હતી. માત્ર શાકભાજીની જ વાત નથી, ભારતીય મસાલા, લોટ, ચોખા, રેડી ટુ યુઝ સામગ્રી, મીઠાઈઓ, સ્નેક્સ તથા અન્ય ભારતીય બ્રાંડ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. ઓપનિંગ ડે સ્કિમ પર કેટલીક વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયો પર જે કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે એની અમે પુષ્ટિ કરતા નથી. 

ઢગલાબંધ કોમેન્ટ થઈ 

સોશિયલ મીડિયા પર જે રીતે આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે એને જોઈને અનેક લોકો આના પર કોમેન્ટ કરી રહ્યા છે. આ વિડિયો પરથી એટલું કહી શકાય છે કે, ભારતીયો જે વિદેશમાં વસવાટ કરે છે તેઓ આજે પણ પોતાના દેશની વસ્તુઓને પ્રાયોરિટી આપી રહ્યા છે. ભારતીય ખાદ્ય ઉત્પાદનની લોકપ્રિયતા અને આકર્ષણ કેટલું છે એ આ વિડિયો દર્શાવે છે.

આ વિડિયો પરથી ફરીએકવાર ભારતીય ઉત્પાદનોની ચર્ચા સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે. એક યુઝર્સે તો એવી કોમેન્ટ કરી કે, આવું તો આપણે ત્યાં રહેલા શોપિંગ મોલમાં પણ થતું નથી. આ જ કોમેન્ટ પર બીજા યુઝરે રીપ્લાય કર્યો કે, ભાઈ, એ અમેરિકા છે ત્યાં ભારતીય વસ્તુઓ એટલી સરળતાથી મળતી નથી. મળે તો મોંઘી મળે છે. અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરી કે, અમેરિકના શોપિંગ માર્કેટમાં ભારતીય શાકભાજીની અછત છે. મોંઘાભાવે મળે છે પણ એમાય તાજુ છે કે નહીં એની ગેરેન્ટી હોતી નથી. અમેરિકાના યુઝરે કોમેન્ટ કરી કે, આ લોકોમાં ડિસિપ્લીન નથી. અન્ય યુઝરે કંઈ લખવાના બદલે માત્ર સ્માઈલ કરતું ઈમોજી મૂકીને વાત અટકાવી દીધી.