લખનઉઃ દેશના બે જુદા-જુદા ઝોનમાં મૌસમના બે અલગ મિજાજ જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક જગ્યાઓ પર વૃક્ષો જમીનદોસ્ત થયા. સમગ્ર ઉત્તર પ્રદેશમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદથી જાણે મિની વાવાઝોડું સાથે તોફાન હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. યુપીના અનેક જિલ્લામાં વૃક્ષો જમીનદોસ્ત થયા, મકાન ક્ષતિગ્રસ્ત થયા, વીજળી પડી આવી ઘટનાઓમાં કુલ 15 લોકોનાં મોત નીપજ્યા છે અને અનેક એવા લોકોને ઈજા પહોંચી છે.
દિલ્હીમાં પણ વાતાવરણ પલટાયું
બુધવારે બપોર પછી દિલ્હીના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.ગરમી સાથે બફારો અનુભવાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર અંતર્ગત દિલ્હી અને યુપીમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ઉન્નાવ અને પ્રયાગરાજમાં ભારેથી અતિભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઘણા વિસ્તારોમાં ભારે પવનને કારણે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. સાઈનબોર્ડ તૂટી ગયા હતા. ઉન્નાવમાં રસ્તા પર પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારનું પડીકું વળી ગયું હતું. પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ અને બાંદામાં ભારે પવનથી અનેક સાઈનબોર્ડ તૂટી ગયા હતા. ભારે પવન અને વરસાદી આફતમાં આશરે 15 લોકોના મૃત્યું થયા હોવાનું જાણવા મળે છે.
5 વ્યક્તિઓનાં મોત
બદાયુમાં 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ભદોહીમાં મકાન પડવાથી ચાર વ્યક્તિઓના જીવ ગયા છે. ઉન્નાવમાં પણ ભારે પવન અને વરસાદથી ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મેરઠ, બરેલી, શાહજહાંપુરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.વાતાવરણમાંથી વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. બરેલી અને રામપુરમાં સાંજના સમયે જાણે અષાઢી માહોલ હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. દહી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના શિગુપુર ગામમાં,70 વર્ષીય રામ આશ્રય એક કેરીના ઝાડ નીચે બેઠા હતા ત્યારે ઝાડ પડ્યું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આ દરમિયાન આસિવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મકબુલ ખેરા ગામમાં રસ્તાની બાજુમાં નીલગિરીના ઝાડ પડી જવાથી 9 વર્ષીય અંશનું મૃત્યુ થયું. આ ઘટનાઓમાં અમિત અને રાજેપાલને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. ઉન્નાવના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) સુશીલ કુમારે પુષ્ટિ આપી છે કે, જિલ્લામાં ત્રણ લોકો અને ત્રણ પશુધનના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. વહીવટીતંત્ર હાલમાં નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે ને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ચેતવણી જારી કરી છે, જેમાં લખનૌ, ઉન્નાવ, સીતાપુર અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ-વીજળી પડવા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 38 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદ માટે 'યલો એલર્ટ' અમલમાં છે.
ગુજરાતના મહાનગરોમાં ઓરેન્જ એલર્ટ
લખનૌ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે આજે અને આવતીકાલે હવામાનની સ્થિતિ અસ્થિર રહેવાની ધારણા છે. ભારે પવન (50 કિમી/કલાકની ઝડપે) સાથે વરસાદ થવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે. જોકે, 15 મેથી ગરમી ફરી શરૂ થવાની ધારણા છે. તાપમાન 6 થી 8 ડિગ્રી વધી શકે છે, જેના કારણે પારો 45 ડિગ્રીથી ઉપર જઈ શકે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર પંથકમાં આગામી ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.