અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક સાયબર ફ્રોડના સમાચાર આવતા રહે છે. ઘણી વખત વ્યક્તિને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે તેવી ખબર પડતાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી દેતા હોય છે. કાયદાકીય પ્રોસેસ બાદ ભોગ બનનારનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે છે. અમદાવાદના મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો પ્રશ્ન પૂછ્યો હતો.
શું પૂછ્યું અમૂલ ભટ્ટે
ધારાસભ્ય અમૂલ ભટ્ટે પૂછ્યું, 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સાયબર હેલ્પલાઈન થકી ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટમાં નિર્દોષ નાગરિકોના કુલ કેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા છે? અનફ્રીઝ બેંક એકાઉન્ટ ખોલાવવવા અરજી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ અને તેનું સ્ટેટ્સ જાણવા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ?
આ અંગેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, 01-01-2024 થી 31-12-2024 સુધીમાં 2,47,587 તથા 01-01-2025થી 31-12-2025 સુધીમાં 37,192 મળી કુલ 2,84,779 બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. અનફ્રીઝ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે નાગરિકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડે છે. અરજદારો રૂબરુ હાજર રહેવાની જરૂરિયાત રહેતી નથી.
આ ઉપરાંત સરકારે કહ્યું, બેંક એકાઉન્ટ ખોલાવવા અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ જાણવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કચેરી ખાતે ફોન કરીને તેમજ વોટ્સએપથી બેંક ખાતું ખોલાવવા કરેલી અરજી બાબતે સ્ટેટસ જાણી શકાય છે.