Wed Jun 17 2026

Logo

વૈભવ સૂર્યવંશીનો ક્લાસિક કૅચઃ દિગ્ગજ ખેલાડીઓને શરમાવે એવો જમ્પ અને પછી ડાઇવ!

Dambulla   2026-06-17 21:54:40
Author: Ajay Motiwala
Article Image

દમ્બુલાઃ 15 વર્ષના ટેણિયા વૈભવ સૂર્યવંશીને આપણે અત્યાર સુધી ધમાકેદાર બૅટિંગમાં છગ્ગા-ચોગ્ગા ફટકારતો જ જોયો છે અને મોટા ભાગના લોકોને માત્ર તેની આતશબાજી જોવામાં જ રસ હશે, પણ બુધવારે અહીં તેણે પોતાનો કૅચ ઝીલનાર અફઘાનિસ્તાન-એના ખેલાડી ખાલિદ તાનિવાલનો કૅચ ઝીલીને તેને વળતો જવાબ આપ્યો એ કાબિલે-દાદ છે.

વૈભવ (Vaibhav) `એ' ગ્રેડનો ટી-20 બૅટ્સમૅન હોવા ઉપરાંત સારો ફીલ્ડર પણ છે એવું તો અત્યારથી કહેવું વહેલું કહેવાશે, પણ તેણે ખાલિદનો જે રીતે કૅચ ઝીલ્યો એના પરથી લાગે છે કે તે ફીલ્ડિંગમાં પણ તે ગજબની દૃઢતા બતાવી શકે છે.

ભારતની ઇનિંગ્સમાં વૈભવ 38 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે આઇપીએલ જેવી ધમાકેદાર બૅટિંગ ન કરીને ફરી એક વખત નિરાશ કર્યા, પણ તેના અફલાતૂન કૅચ (Catch) અનેકના દિલ ખુશ કરી દીધા હશે.

વનડાઉન બૅટ્સમૅન 13 રન પર હતો ત્યારે પેસ બોલર અંશુલ કંબોજના બૉલને ફ્લિક કરીને શૉર્ટ મિડ-વિકેટ તરફ મોકલ્યો હતો જ્યાં વૈભવ ઊભો હતો. પહેલી નજરે તો લાગ્યું કે બૉલ વૈભવના માથા પરથી પસાર થઈ જશે. જોકે આ ટીનેજર ઊંચો કૂદકો માર્યો હતો. તે પ્રથમ પ્રયાસમાં કૅચ નહોતો ઝીલી શક્યો, પણ બીજી જ ક્ષણે તે પાછળ ફર્યો હતો અને બૉલ નીચે પડે એ પહેલાં તેણે બીજા પ્રયાસમાં ફુલ સ્ટ્રેચ ડાઇવમાં બૉલ જમણા હાથે આબાદ ઝીલીને સૌને ચોંકાવી દીધા હતા.