ઉદ્ધવ સેનાએ બેઠક માટે વ્હીપ જારી કર્યો: સંજય રાઉતે કર્યો 50 કરોડનો દાવો: જાહેરમાં ચેનલ પર ગાળ બોલ્યા: વ્હીપ અમાન્ય હોવાનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વખત બળવો જોવા મળ્યો છે અને આ વખતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના છ સાંસદો ફૂટી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે શિવસેના (યુબીટી) દ્વારા અપાત્રતાની કાર્યવાહી આગળ વધારવાના હેતુથી ગુરુવારે એક પાર્ટીની બેઠક માટે વ્હીપ જારી કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ગેરહાજર રહેનારા સાંસદો સામે અપાત્રતાની કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્હીપ અમાન્ય છે. એટલે સ્થિતિ ગુરુવારની બેઠક બાદ જ સ્પષ્ટ થશે.
બુધવારે મોડી રાત સુધી આ ફૂટેલા સાંસદોની સંખ્યા 4, 6 કે 7 છે તેની સ્પષ્ટતા થઈ નહોતી. કથિત રીતે બે બળવાખોર સાંસદ સંજય દિના પાટીલ અને ઓમરાજે નિંબાળકરે દિલ્હીમાં આવ્યા ન હોવાનો અને શિવસેના (યુબીટી) સાથે હોવાનો દાવો કર્યો હતો. જ્યારે બીજી તરફ શિવસેના (યુબીટી)ના બળવાખોર નેતાઓનું એક જૂથ બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યું હોવાનું જાણવા મળ્યું છે, અને તેમણે લોકસભામાં પાર્ટીના નવમાંથી છ સાંસદોના સમર્થનનો દાવો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ અરવિંદ સાવંતના નેતૃત્વ હેઠળ શિવસેના (યુબીટી)ના સાંસદો બિરલાને મળવા ગયા હતા અને તેમને કાર્યવાહી કરતી વખતે પક્ષનું વલણ ધ્યાનમાં લેવાની વિનંતી કરી હતી.
બંને પક્ષ તરફથી બેઠકમાં શું થયું તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરેના વફાદાર અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે પાર્ટીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શાસક શિવસેનામાં સ્વિચ કરવાની યોજના ધરાવતા હોવાનું કોઈને મોઢે સાંભળ્યું નથી.સેના (યુબીટી)ના તમામ સાંસદોને ત્રણ લાઇનનો વ્હીપ જારી કરવામાં આવ્યો છે, જેમાં તેમને ગુરુવારે તેના સંસદીય પક્ષની બેઠકમાં હાજરી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
‘ગુરુવારની બેઠક પછી વસ્તુ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે,’ એમ રાઉતે પાર્ટીના લોકસભા સાંસદો અરવિંદ સાવંત અને અનિલ દેસાઈ સાથે બિરલાને પણ મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સાંસદોને બેઠકમાં રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.આ પહેલાં રવિવારે, મુંબઈમાં ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં શિવસેના (યુબીટી)ના પાંચ સાંસદો વર્ચ્યુઅલી જોડાયા હતા.
બુધવારે, બિરલાને મળતા પહેલા રાઉતે સંબોધેલી પત્રકાર પરિષદમાં પણ શિવસેના (યુબીટી) સામેની કટોકટીનો ખુલાસો થયો હતો. સાવંત અને દેસાઈ ઉપરાંત, તેમની સાથે ફક્ત લોકસભાના સાંસદ રાજાભાઉ વાજે હાજર હતા. પક્ષના બાકીના છ સાંસદો ક્યાં છે તે જાણી શકાયું નહોતું. આ પત્રકાર પરિષદમાં સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો હતો કે સાંસદોને ફોડવા માટે રૂ. 50 કરોડ આપવામાં આવ્યા છે અને તેમાંથી 15 કરોડ એડવાન્સમાં આપવામાં આવ્યા હતા.
તેમણે ન્યાયવ્યવસ્થા પર ગંભીર આરોપ કરતાં જણાવ્યું હતું કે સાંસદ ઓમરાજે નિંબાળકરને 20 વર્ષ જૂના કેસમાં તેમની તરફેણમાં ચુકાદો આપવા માટે પક્ષપલટો કરવાની ઓફર આપવામાં આવી હતી. આ જ પત્રકાર પરિષદમાં તેમના મોંમાંથી કથિત પક્ષપલ્ટુઓ અંગે ગંદી ગાળ નીકળી ગઈ હતી અને વિવાદ થયા બાદ પણ તેમણે પોતાના શબ્દો પાછા ખેંચવાને બદલે આને સ્વાભાવિક/સામાન્ય ભાષા ગણાવીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.
શિવસેના (યુબીટી)ના લોકસભામાં નવ સાંસદો છે અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચવા માટે ઓછામાં ઓછા છ સાંસદોએ પક્ષ બદલવો પડશે.એવું પણ જાણવા મળ્યું છે કે 2022માં અવિભાજિત શિવસેનામાં પહેલી વખત ભાગલા પડાવનારા એકનાથ શિંદે દિલ્હીમાં જ છે.દરમિયાન, બિરલા સાથેની મુલાકાત બાદ, દેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓએ સ્પીકરને એક રજૂઆત સુપરત કરી છે જેમાં તેમને કોઈપણ ગેરકાયદે પક્ષપલટા સામે રક્ષણ આપવા વિનંતી કરવામાં આવી છે.
ઠાકરેના સંસદીય પક્ષે બુધવારે વ્હીપ જારી કર્યો છે. આ વ્હીપમાં, તમામ સાંસદોને બેઠકમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. જો ઠાકરેના સાંસદો આ બેઠકમાં ગેરહાજર રહે છે, તો તેને પક્ષના આદેશનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ઠાકરે જૂથના આ વ્હીપ અંગે મોટી આંચકાજનક માહિતી સામે આવી છે.સુષ્મા અંધારે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બળવાખોર સાંસદોએ મંગળવારે લોકસભા અધ્યક્ષને પત્ર આપ્યો છે. તેમના અલગ જૂથને પણ મંજૂરી મળી ગઈ છે. ઠાકરેના પક્ષે બુધવારે વ્હીપ જારી કર્યો છે. બળવાખોર સાંસદોનો પત્ર મંગળવારે ગયા બાદ, ઠાકરે જૂથનો વ્હીપ અમાન્ય ઠેરવવામાં આવી શકે છે. આ માહિતી ખુદ સુષ્મા અંધારે દ્વારા આપવામાં આવી છે. તો હવે શું થશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.