Thu Jun 18 2026

Logo

ઉના દલિતકાંડ કેસમાં વેરાવળ કોર્ટે પાંચ આરોપીને દોષિત ઠેરવ્યા, આવતીકાલે સજાની સુનાવણી...

2026-03-16 19:59:00
Author: pooja shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2016માં ખૂબ જ ચર્ચામાં રહેલા ગીર-સોમનાથ જિલ્લાના ઉના દલિતકાંડમાં વેરાવળ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં પાંચ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ આજે મંગળવારે તેમની સજાની સુનાવણી કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસમાં કુલ 42 આરોપીમાંથી પુરાવાના અભાવે 37 આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરાયેલા આરોપીમાંથી બેના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દોષિત ઠરેલા પાંચ આરોપીમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા, બળવંત ગૌસ્વામીનો સમાવેશ થાય છે. 

આ ઘટના વર્ષ 2016ની 11મી જુલાઈએ ઘટી હતી. ઊનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યને ગૌહત્યાના કથિત આરોપ મામલે ઢોરમાર મારવામાં આવ્યો હતો. તે સમયના અહેવાલો અનુસાર તેમને કાર સાથે બાંધી, લાકડીઓ, પાઈપ સહિતના હથિયારોથી માર મારી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર પોલીસ અધિકારી સહિત 42 જણની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા હતા. 

માર માર્યાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતના વિવિધ ભાગોમાં આંદોલનો થયા હતા. અમુક આંદોલન હિંસક પણ બન્યા હતા. આ ઘટનાની રાષ્ટ્રીય કક્ષાએ ગંભીર નોંધ લેવાઈ હતી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના તત્કાલિન  મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી સહિતની નેતાઓએ પીડિતોની મુલાકાત લીધી હતી. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ પીડિતોને મળવા તેમના ઘરે ગયાં હતાં. આ મામલો સંસદમાં પણ બહુ ગાજ્યો હતો. દસ વર્ષ બાદ આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.