Thu Jun 18 2026

Logo

વિશેષઃ ભારતની ‘હસ્તિકન્યા’ તરીકે ઓળખાતી પાર્બતી બરુઆ

2026-06-18 09:15:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

આપણે ત્યાં ‘નારીશક્તિ’ની વાતો બહુ થાય છે, પણ એકલપંડે, પોતાની કેડી કંડારીને જ્યાં વિચાર્યું પણ ન હોય તેવા ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મેળવનાર નારીઓના સન્માનની વાત આવે ત્યારે મોટાભાગે આપણો સમાજ ઊણો ઊતરે છે. આજે એક એવી લાડકીની વાત કરવી છે જેને જ્યાં સુધી ‘પદ્મશ્રી’નું સન્માન ન મળ્યું ત્યાં સુધી ભારતમાં ભાગ્યે જ કોઈ ઓળખતું હતું.

પાર્બતી બરુઆ હવે ઉંમરની સાઠી વટાવી ગયા છે. તેમને ભારતની પ્રથમ ‘હાથી મહાવત’ તરીકેના તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ 2024માં ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યાં હતાં. હાથી એક મહાકાય પ્રાણી છે. તેને અંકુશમાં રાખવા મહાવત તરીકે કાર્ય કરવું એ ખાવાના ખેલ નથી. સદીઓ થી આ કાર્ય માત્ર પુરુષ જ કરતા આવ્યા છે એટલું જ નહીં, ભારતના યુદ્ધકુશળ હાથીઓ પર સવારી કરનાર પણ મોટાભાગે પુરુષો જ રહ્યા છે ત્યારે પાર્વતીએ કેવી રીતે મહાવત તરીકે આ મહારત હાંસલ કરી?

આસામમાં જન્મેલી અને ઉછરેલી પાર્બતી ગૌરીપુરના રાજવી પરિવારના સ્વર્ગસ્થ પ્રાકૃતિશ ચંદ્ર બરુઆને ત્યાં જન્મેલાં નવ બાળકોમાંની એક હતી. ગૌરીપુરના રાજાઓમાં પ્રાકૃતિશ અંતિમ શાસક હતા. આપણે સહુ જાણીએ જ છીએ કે આસામ હાથીઓ માટે પ્રાકૃતિક ઘર છે. તેમના પરિવારને આ કદાવર પ્રાણી સાથે સદીઓ જૂનો સંબંધ હતો. 

તેમનો પરિવાર ઊંચી નસલના હાથીઓના ઉછેર અને એના લે-વેચનો વ્યવસાય પણ ધરાવતો હતો. જંગલમાંથી હાથીઓને પકડવા અને તેમને વેચવાનો આ વ્યવસાય ખૂબ ફાયદાકારક માનવામાં આવતો હતો. જોકે પાછળથી સરકારે હાથીઓના સંરક્ષણનો મુદ્દો આગળ ધરીને આ વ્યવસાય પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

પાર્બતીના પિતા પ્રાકૃતિશ બરુઆ ન માત્ર આસામના રાજાશાહી પરિવારના છેલ્લા રાજા હતા, પણ સાથે જ, આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત હાથી નિષ્ણાત પણ હતા. પાર્વતી (સ્થાનિક ભાષામાં પાર્બતી)ને હાથીઓ પ્રત્યેની રુચિ અને સમજણમાં તેના પિતાનો બહુ મોટો હાથ હતો. આમ તો ઘણી દીકરીઓને એવાં ક્ષેત્રોમાં રસ હોય છે, જેનું ખેડાણ આજ સુધી કોઈ મહિલાએ ન કર્યું હોય, પરંતુ પરિવાર અને સમાજ ‘આ તમારું કામ નથી’ કહીને તેમની રુચિ અને ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દે છે.

સદ્ભાગ્યે પાર્વતીના કિસ્સામાં તેમના પિતાએ તેની રુચિ જોઈને તેને ન માત્ર પ્રોત્સાહન આપ્યું, પણ બાળપણથી જ અન્ય સંતાનોની સાથે પાર્વતીને પણ જંગલમાં હાથી પકડવા લઈ જતા. ત્યાં પાર્વતીને હાથીઓ પકડવાનું અને તેમને પોતાના બનાવી લેવાનું પ્રૅક્ટિકલ શિક્ષણ મળ્યું.

14 વર્ષની નાની ઉંમરે પાર્વતીએ પોતાનો પહેલો હાથી પકડ્યો, જેનાથી સામાજિક ધોરણો અને અપેક્ષાઓને અવગણીને મહાવત બનવાની તીવ્ર ઇચ્છા જાગી. 1975-78 દરમિયાન તેણે ઉત્તર બંગાળમાં કોકરાઝાર જિલ્લાનાં કચુગાંવ જંગલોમાં સ્વતંત્ર રીતે ચૌદ જંગલી હાથીઓને કાબૂમાં લીધા. આ એક અભૂતપૂર્વ વાત હતી. તે પહેલાં કોઈ મહિલા આવું કરી શકે તેવું કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું.

બસ, ત્યારથી પાર્બતીએ પોતાનું જીવન હાથીઓના સંરક્ષણ માટે સમર્પિત કર્યું છે. તેમણે આ લુપ્તપ્રાય પ્રાણીઓના રક્ષણ, માનવ-હાથી સંઘર્ષ ઘટાડવા અને તેમની દુર્દશા વિશે જાગૃતિ લાવવા માટે અનેક પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. હાથીઓને કાબૂમાં લેવા સૌથી મહત્ત્વનું છે તેમની લાગણીઓને સમજવી. પાર્વતી પોતે કહે છે તેમ, ‘હાથીઓ મને પ્રેમ કરે છે, કારણ કે હું તેમની લાગણીઓ સમજું છું. એક અવાજ કરું અને હાથીઓ મારી પાસે દોડી આવે છે!’ 

આગળ જતાં જંગલમાં મળેલા શિક્ષણ, અનુભવ અને પિતાના માર્ગદર્શનમાં પાર્વતી પોતે હાથીઓના નિષ્ણાત બની ગયાં. બિહાર, પશ્ર્ચિમ બંગાળ અને આસામ જેવાં રાજ્યો બદમાશ હાથીઓને અંકુશમાં લેવા અથવા ઘાયલ કે બીમાર હાથીઓની સંભાળ રાખવામાં તેમની મદદ માગે છે. તેમની કુશળતા અને સમર્પણને કારણે તેમને વ્યાપક માન્યતા મળી છે અને ‘બીબીસી’ એ તેમના કાર્ય પર ‘ક્વીન ઑફ ધ એલિફન્ટ્સ’ નામની ડૉક્યુમેન્ટરી પણ બનાવી છે. સ્થાનિક લોકોએ તેમને પ્રેમથી ‘હસ્તિકન્યા’નું બિરુદ આપ્યું છે.

આ પાર્બતીદીદીના અનેક અનુભવોમાંથી એક પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાનો છે, જ્યાં 50 હાથીઓનું ટોળું રસ્તો ભૂલી ગયું હતું અને વિનાશક માર્ગ પર હતું. રાજ્યના અધિકારીઓએ પણ પાર્બતી પાસે દોડવું પડ્યું. પાર્વતી પોતાના ત્રણ હાથી અને અન્ય મહાવતની ટીમ સાથે પેલા હાથીઓ પાસે પહોંચી ગયાં. સતત પંદર દિવસની મહામહેનત પછી હાથીઓના ટોળાને યોગ્ય રસ્તે વાળવામાં તેમને સફળતા મળી ત્યારે જંગલના અધકારીઓએ પણ હાશકારો અનુભવ્યો.

આ સાહસિક માર્ગ પર આગળ વધીને પાર્બતી આજે પણ આધુનિક સુવિધાઓ વિનાનું જીવન જીવે છે. તે ટૂથપેસ્ટને બદલે રાખનો ઉપયોગ કરે છે અને તંબુની અંદર સાવ પાતળા ગાદલા પર સૂવે છે અને તેની આસપાસ તેના વ્યવસાયનાં સાધનો-દોરડાં, સાંકળો, અંકુશ, ઇત્યાદિ પડ્યાં હોય છે. 

‘હાથીઓ પ્રત્યે આટલો પ્રેમ કેમ?’ તેના જવાબમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હાથીઓ ખૂબ જ સ્થિર, વફાદાર, પ્રેમાળ અને શિસ્તબદ્ધ હોય છે એટલે!’ 

હવે આ કાર્યમાંથી નિવૃત્તિ લેવી જોઈએ તેવા વિચાર પાર્વતીના મનમાં અનેક વખત આવી ગયા, પણ ફરી કોઈ એવી ઘટના બને અને ફરી એકવાર હાથીઓ તરફનો પ્રેમ તેમને હાથીઓ વચ્ચે ખેંચી જાય છે. કદાચ આ પ્રેમ જ તેમને ક્યારેય નિવૃત્ત નહીં થવા દે.