સુરતઃ શહેરમાં એક વ્યક્તિએ પોતાના અપહરણનું નાટક રચીને પરિવાર પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આ કાંડ કર્યો છે. પોતાના જ પરિવાર પાસેથી રૂપિયા 50 લાખ પડાવી લેવા માટે ફિલ્મી સ્ટાઈલમાં પોતાને બંધક બનાવ્યો અને પરિવારને તેનો વીડિયો મૂક્યો હતો. એટલું જ નહીં પરંતુ જો 50 લાખ રૂપિયા નહીં મળે તો લાશ મળશે તેવો મેસેજ કરીને ધમકી આપી હતી. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો...
12 જૂને પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
ઘટના એવી છે કે, મોટા વરાછા વિસ્તારમાં આવેલા ભક્તિનંદર સેક્ટર-2માં રહેતા નિશાબેન તળાવિયાએ 12 જૂને ઉત્રાણ પોલીસ સ્ટેશમાં પોતાના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વાસ્તવમાં પતિ જીગ્નેશ લાલજીભાઈ તળાવિયા ગુમ થયાનો નાટક કરી રહ્યો હતો. જ્યારે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે અચનાક હિંદી ભાષામાં મેસેજ આવ્યો હતો. આ મેસેજ જીગ્નેશભાઈના જ ફોનમાંથી આવ્યો હોવાના કારણે પરિવાર વધારે ચિંતિત થઈ ગયો હતો.
હિંદીમાં મેસેજ કરીને 50 લાખ રૂપિયા માંગ્યાં
જીગ્નેશભાઈના ફોનમાંથી હિંદીમાં આ ધમકીનો મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું. આના એકાઉન્ટ (બેંક ખાતા)માં 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો નહીં તો તેની લાશ મળશે. તેનું અપહરણ થયું છે. જો કે, આ મામલે પોલીસને જાણ કરીને ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખશું. આવો મેસેજ જોતા પરિવાર વધારે ભયભીત થઈ ગયો હતો. પોલીસે પણ આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. સઘન તપાસ અને કાર્યવાહી કર્યાં બાદ પોલીસે ગોધરામાં આવેલી શિવ હોટલમાંથી જીગ્રેશ તળાવિયાને શોધી કાઢ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશે કબૂલાત કરી લીધી
પોલીસે જીગ્નેશને શોધી કાઢ્યો અને પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે મોટો ખૂલાસો થયો હતો. પોલીસે પૂછપરછ કરી તો જીગ્નેશ કબૂક કરી લીધું હતું કે, તેને પોતે જ આ આખું નાટક રચ્યું હતું. પરિવાર પાસેથી 50 લાખ રૂપિયા પડાવવા માટે આ પ્લાન ઘડ્યો હતો. પોતાને કેવી રીતે બંધક બનાવ્યો તેનો તેણે જાતે જ વીડિયો પણ બનાવ્યો હતો. હિંદી ભાષામાં કરેલ મેસેજ પણ તેણે જ જાતે જ લખ્યો હતો.
શેર માર્કેટમાં રૂપિયા હાર્યો એટલે નાટક રચ્યું!
આ કેસમાં વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આરોપીએ પોતે શેર માર્કેટમાં 50થી 60 લાખ રૂપિયા હારી ગયો હતો અને તેના કારણે તેના પર દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે આ નાટક કર્યું જેથી પરિવાર અને સગાસંબંધિયો પાસેથી રૂપિયાની મદદ મળી શકે! આ કામ માટે જીગ્નેશે કોઈની પણ મદદ લીધી નહોતી એટલે માત્ર તેની સામે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કાંડ કરી જીગ્નેશ તળાવિયાએ પોલીસને ગેરમાર્ગે દોરી, પોલીસને સમય બગાડ્યો અને સરકારી સંસાધનોનો દુરૂપયોગ કર્યો તેના માટે તેની સામે બીએનએસ-2023ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.