અમદાવાદઃ ક્ષણવારનો ક્રોધ આજીવન ઉપાધિઓ અને દુઃખ લાવે છે. આવી જ ઘટના ઊના તાલુકાના ભેભા ગામમાં બની છે, જ્યાં પતિએ ઘરકંકાસમાં પત્નીની હત્યા કરી નાખી હતી અને ત્રણ સંતાનને મા વિહોણા કરી નાખ્યા હતા.
અહીંના ભાભા ગામમાં માછીમારી કરતા દેવસી બાંભણીયા અને મજૂરી કરતી લખુબેન બાંભણીયા ત્રણ સંતાન સાથે રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે ઘણીવાર ઝગડા થતા હતા. ગુરુવારે લખુબેન રસોઈ બનાવી રહ્યા હતા અને મોબાઈલ પર ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈક વાતે દેવસી સાથે તેમનો ઝગડો થયો હતો અને ઝગડો ઉગ્ર બનતા દેવસીએ ઘરમાં પડેલી કુહાડી ઉપાડી લખુબેન પર ઝીંકી દીધી હતી. ત્યારબાદ તેણે સાળાને કહ્યું હતું કે પોતે તેની બેન પર કુહાડી ઝંકી દીધી છે. લખુબેનને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ અહીં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. પોલીસની ટીમે દેવસીની ધરપકડ કરી હતી.
આ ઘટનાને લીધે તેમના બે દીકરા અને એક દીકરીએ હંમેશાં માટે માતાની મમતા ગુમાવી દીધી હતી જ્યારે પિતા પણ હવે જેલમાં જશે. પિતાના પળવારના ગુસ્સાએ ત્રણ સંતાનના ભવિષ્ય સામે પશ્નાર્થ ઊભા કરી દીધા હતા.