Wed Sep 02 2026

Logo

હોળી નિમિત્તે ઉધના સ્ટેશન પર ભીડ: વતન જનારા શ્રમિકો માટે રેલવેની ખાસ વ્યવસ્થા

2026-03-01 17:14:23
Author: Devayat Khatana
હોળી નિમિત્તે ઉધના સ્ટેશન પર ભીડ: વતન જનારા શ્રમિકો માટે રેલવેની ખાસ વ્યવસ્થા

સુરત: ગુજરાતના ડાયમંડ સીટી સુરતમાં હોળી-ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રોજગારી માટે સુરતમાં વસેલા શ્રમિકો વતનમાં હોળી ઉજવવા માટે ઉધના રેલ્વે સ્ટેશન પર ખુબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉધના સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલના ડીઆરએમ પંકજ સિંહે જાતે સ્ટેશનની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરો સાથે સંવાદ કરી તેમનો પ્રતિસાદ મેળવ્યો હતો.

આ વર્ષે મુસાફરોની સુવિધા માટે 'અંત્યોદય એક્સપ્રેસ' અને આધુનિક 'અમૃત ભારત' જેવી ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. સંપૂર્ણ જનરલ કોચ ધરાવતી અંત્યોદય ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી, છતાં રેલવે સુરક્ષા દળ અને જીઆરપીના જવાનોએ મુસાફરોને શાંતિપૂર્ણ રીતે ટ્રેનમાં બેસાડવા ભારે જહેમત ઉઠાવી હતી. વહીવટીતંત્ર દ્વારા ઉધના સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે અને મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે.

રેલવે પ્રશાસન દ્વારા માનવીય અભિગમ અપનાવીને હોલ્ડિંગ એરિયામાં પ્રતીક્ષા કરી રહેલા મુસાફરોને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થિત આયોજન અને સુવિધાઓને કારણે પરપ્રાંતીય કારીગરોમાં ખુશી જોવા મળી હતી અને તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સુરત અને ઉધના સ્ટેશન પર મિની ભારત જેવો નઝારો સર્જાયો હતો.