ભુજઃ ગુજરાત ભાજપના નેતાઓએ ફરી એક વખત ધજાગરા કર્યા હતા. ભુજના કમલમમાં કચ્છના બે ટોચના નેતાઓ વચ્ચે ગાળાગાળી થઈ હતી. ફોટો પડાવવા બાબતે બંને નેતાઓ બાખડ્યા હતા. જેના કારણે ફરી એક વખત પક્ષની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ભુજમાં ભાજપના જિલ્લા કાર્યાલય કમલમ્ ખાતે નવા વરાયેલા જિલ્લા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. જેમાં અંજાર ભાજપના બે જૂથના નેતાઓ વચ્ચે ફોટા પડાવવા જેવી નજીવી બાબતે જાહેરમાં શાબ્દિક ટપાટપી થઈ હતી, જે બાદમાં ઉગ્ર વિવાદમાં પરિણમી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યાલયના ગેટ પાસે આવેલી ભારત માતાની પ્રતિમા પાસે કાર્યકરોમાં સેલ્ફી પડાવવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અંજાર શહેર ભાજપના એક પીઢ હોદ્દેદાર ત્યાં ફોટો પડાવતાં હતા. જોકે અન્ય કાર્યકરોની વ્યસ્તતાના કારણે તેમની સાથે કોઈએ ફોટો પડાવ્યો નહોતો. જેનાથી તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. આ સમયે નજીકમાં ઉભેલા અંજાર યુવા મોરચાના એક હોદ્દેદાર પણ પોતાના મિત્રો સાથે કોઈ અંગત વાત પર હસી-મજાક કરતા હતા.
જેથી આ પીઢ નેતાને એવું લાગ્યું કે, યુવા નેતા તેમની મજાક ઉડાવીને હસી રહ્યા છે. આ ગેરસમજના કારણે તેમણે પિત્તો ગુમાવ્યો હતો અને યુવા નેતાને જાહેરમાં અપશબ્દો બોલ્યા હતા. જેથી યુવા નેતાએ અપશબ્દો નહીં બોલવાનું કહેતા મામલો વણસ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ એટલું ઉગ્ર બન્યું હતું કે તેઓ એકબીજા પર હુમલો કરવા પણ દોડ્યા હતા.
આમ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેને છાપ ધરાવતી ભાજપનો આંતરિક વિખવાદ વધુ એક વખત સામે આવ્યો હતો. તાજેતરમાં સુરત જિલ્લા આદિવાસી મોરચાના મંત્રીએ તમામ પદ પરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તેમણે રાજીનામા માટે ભાજપના આંતરિક વિવાદ અને તાલુકા સંગઠન માટે ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો હતો.