Thu Jun 18 2026

Logo

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં પૂનમે જામીન માટે શું કરી ચોંકાવનારી દલીલ?

2026-03-02 08:32:00
Author: MayurKumar Patel
Article Image

સુરતઃ શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં સ્ત્રી મિત્ર પૂનમ ભદોરિયાએ જામીન માટે ચોંકાવનારી દલીલ કરી હતી. પૂનમના વકીલે કોર્ટમાં ચોંકાવનારી દલીલો કરતાં કહ્યું, તુષાર ઘેલાણી જમણેરી હતા તો પછી જમણા કાન પાસેથી ગોળી બહાર કેવી રીતે નીકળે. પોલીસે તુષારભાઈના પરિવારના સભ્યોના નિવેદન કેમ નથી નોંધ્યા. આ સમગ્ર ઘટના હત્યા હતી અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો હતો. વકીલના આ નિવેદનથી થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે સરકાર પક્ષે આ દલીલોનો જવાબ આપવા મુદત માંગવામાં આવી હતી.

પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો

બે દિવસ પહેલાં પૂનમ ભદોરીયાની જામીન અરજીનો વિરોધ કરતાં પોલીસે પૂનમ પર તુષાર ઘેલાણીને અસહ્ય માનસિક ત્રાસ આપ્યાનો અને મિલકત પડાવી લેવા માટે ધમકીઓ આપી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.  પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો હતો. હાલમાં જેલવાસ ભોગવી રહેલી પૂનમે જામીન મેળવવા માટે અરજી કરી છે.

પૂનમે લગ્નમાં આવીને ભવાડા - બદનામ કરવાની ધમકી આપી હતી

સુરતની કોર્ટમાં પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલ  દ્વારા રજૂ કરાયેલી સાત પાનાની વિસ્તૃત એફિડેવિટમાં દાવો કરાયો હતો કે, ઘેલાણી પર  દીકરીના લગ્નના એક દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યો હતો. આ ફોનના કારણે  તુષાર ઘેલાણી અત્યંત હતાશ થઈ ગયા હતા.  પરિવારે પૂછ્યું ત્યારે ઘેલાણીએ ભીની આંખે કહેલું કે, પૂનમે દીકરીના લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી  છે. ઘેલાણીએ કહેલું કે, પૂનમ વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે તેથી હું હારી ગયો છું અને હવે મારાથી જીવાતું નથી. ઘેલાણીએ દીકરીનો લગ્ન પ્રસંગ સુખેથી પતી જાય એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. 

દીકરીઓએ પૂનમને તેના પિતાને હેરાન કરવાનું બંધ કરવા વિનંતી કરી

પોલીસ એફિડેવિટમાં દાવો કરાયો  કે, તુષાર ઘેલાણીની  માનસિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ જતાં તેમની બંને દીકરીઓ જાતે પૂનમ ભદોરિયાના ઘરે ગઈ હતી. બંને દીકરીઓએ પૂનમને પોતાના પિતાને હેરાન કરવાનું બંધ કરવા વિનંતી કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પૂનમે પોતાને મિલકતમાં ભાગ મળવો જોઈએ એવી માગણી કરી હતી. પૂનમે દીકરીઓને પણ ધમકી આપી હતી કે,  મિલકતમાં હિસ્સો નહીં મળે તો  તેમના પિતાનું જીવવાનું હરામ કરી દેશે.

એફિડેવિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂનમે તુષાર ઘેલાણીને ઇમોશનલ બ્લેકમેલ કરી કરીને પેપીલોન શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી. પૂનમ શાળામાંથી નફાની સાથે પગાર પણ લેતી હતી અને પોતાના પરિવારજનોને પણ પગાર આપતી હતી. પૂનમે ઘેલાણી પર દબાણ કરીને ઉમરા ઝોનમાં આવેલી લગભગ 1.07 કરોડ રૂપિયાની કિંમતની બે દુકાનો પણ પોતાના નામે કરાવી લીધી હતી. 

શું છે મામલો

સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની  લાઈસન્સવાળી રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા પણ ઈજા ગંભીર હોવાથી પાંચ દિવસ પછી બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. આ દરમિયાન પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયા ચાલતી હતી ત્યાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતાં તેમનું મોત થયું હતું. જોગાનુજોગ આ દિવસે જ તેમની દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્નનો દિવસ જ બાપ માટે જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો.