પ્રાંતિજ: પ્રાથમિક શાળામાં આપણે કર્કવૃતના સ્થાન અને મહત્વ વિશે ભણેલા છીએ પણ ગુજરાતમાં લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામ ખાતે ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું 11 માર્ચ, 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હતું.
આ સાયન્સ પાર્ક મુલાકાતીઓ માટે વિજ્ઞાન પ્રવાસનના કેન્દ્ર તરીકે પણ કામ કરી રહ્યો છે. પ્રવાસીઓમાં અને ખાસ કરીને વિજ્ઞાનમાં રસ ધરાવતા મુલાકાતીઓમાં આ પાર્ક અત્યારે અનોખું આકર્ષણ ઊભું કરી રહ્યો છે. ઉદ્ઘાટન થયા બાદ 2 મહિનાના સમયગાળમાં લગભગ 3500થી વધુ મુલાકાતીઓએ ટ્રોપિક ઑફ સેન્ટર સાયન્સ પાર્કની મુલાકાત લીધી છે, અને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાની આશા છે.
રૂ. 8 કરોડના ખર્ચે બનાવાયો સાયન્સ પાર્ક
ઉલ્લેખનીય છે કે, GUJCOST દ્વારા રૂ. 8 કરોડના અંદાજિત ખર્ચે લગભગ 5930 ચોરસ મીટર વિસ્તારમાં આ પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પાર્કના ઉદ્ઘાટન સમયે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવવા માટે આવી પહેલો મહત્વપૂર્ણ છે. આ પાર્ક કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વને સમજવા માટે એક ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક અને સંશોધન કેન્દ્ર તરીકે સેવા આપે છે, જેમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધો અને ઋતુગત ફેરફારોનો સમાવેશ થાય છે.
ટ્રોપિક ઑફ સેન્ટર એટલે શું?
ઉલ્લેખનીય છે કે, ઉષ્ણકટિબંધીય પ્રદેશો એ પૃથ્વીના એવા ભાગો છે જે પૃથ્વીના કેન્દ્રની નજીક છે અને તેમની પાસે અતિ સમૃદ્ધ જૈવવિવિધતાઓ છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશ આશરે 40 ટકા ભૂમિ વિસ્તારને આવરી લે છે જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવે છે. ટ્રોપિક ઑફ સેન્ટર (TOC) એટલે કે કર્કવૃત્ત, આપણી પૃથ્વીને વિભાજીત કરતા પાંચ મુખ્ય અક્ષાંશ વર્તુળોમાંનું એક છે, જેને ઉત્તરીય ઉષ્ણકટિબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૃથ્વી પરનું સૌથી ઉત્તરીય અક્ષાંશ વર્તુળ છે, જ્યાં સૂર્ય તેની પરાકાષ્ઠાએ સીધો માથાની ઉપર દેખાઇ શકે છે.

સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે કર્કવૃત્ત!
કર્કવૃત્ત એ વિષુવવૃત્તથી 23.50 ડિગ્રી ઉત્તરના ખૂણા પરની એક કાલ્પનિક રેખા છે, જે ભારત સહિત 16 દેશો, 3 ખંડો અને વિશ્વભરના 6 જળસંગ્રહોમાંથી પસાર થાય છે. ભારતમાં, કર્કવૃત્ત આઠ રાજ્યોમાંથી પસાર થાય છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે. ગુજરાતમાં, તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમ કે, (1) અરવલ્લી, (2) સાબરકાંઠા, (3) ગાંધીનગર, (4) મહેસાણા, (5) સુરેન્દ્રનગર, (6) પાટણ અને (7) કચ્છ. કર્કવૃત્ત ગુજરાતની ઉત્તરીય સરહદમાંથી પસાર થાય છે, જેના કારણે રાજ્યમાં ખૂબ જ ગરમ અથવા અથવા તો ખૂબ જ ઠંડું વાતાવરણ રહે છે.
કર્કવૃત્ત (TOC) અને તેના મહત્વ વિશે જાગૃતિ અને સમજણ કેળવવા તેમજ આ સાઇટને એક સંશોધન કેન્દ્ર (એક્સપ્લોરેશન પોઇન્ટ) તરીકે વિકસાવવા માટે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે આ ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યો છે.
શું છે સાયન્સ પાર્કની સૌથી મોટી વિશેષતા?
ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિજ્ઞાનને માત્ર વાંચવામાં જ નથી આવતું, પરંતુ તેને અનુભવી શકાય છે. પાર્કમાં વિવિધ પ્રદર્શનો અને સાધનો દ્વારા મુલાકાતીઓને સમજાવવામાં આવે છે કે, પૃથ્વીનો ઝુકાવ ઋતુઓને કેવી રીતે અસર કરે છે, વર્ષ દરમિયાન સૂર્યની ગતિ અને છાયામાં કેવી રીતે ફેરફાર થાય છે, સન ડાયલ દ્વારા સમય અને સૂર્યની સ્થિતિને કેવી રીતે માપી શકાય છે, વગેરે. આ બાબતો વિદ્યાર્થીઓ માટે આ સ્થળને એક ખુલ્લી હવામાં આવેલી વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવી દે છે.
કેમ બન્યો મુસાફરોનું આકર્ષણનું કેન્દ્ર?
આ પાર્કને એક અનોખા અને સેલ્ફ-એક્સપ્લેનેટરી પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં બાહ્ય પ્રદર્શનો, ખગોળીય માળખાં (એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ) અને મુલાકાતીઓ માટેની સુવિધા છે. આ પાર્ક વિજ્ઞાન પ્રેમીઓ માટે એક આકર્ષક સ્થળ બની રહ્યો છે. મુલાકાતીઓ માટે અહીં વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ છે જેમકે, વૈશ્વિક મહત્વ ધરાવતી અક્ષાંશ રેખા પર ઊભા રહેવાનો અનુભવ, રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શન, કુદરતી દ્રશ્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે. આ સાથે, આ પાર્ક સ્થાનિક સમુદાયો માટે રોજગાર અને વિકાસની નવી તકો પણ ઊભી કરે છે. આ પાર્ક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક જીવંત શિક્ષણ કેન્દ્ર જેવો છે.