Sun Sep 06 2026

Logo

TMCમાં ભડકો: સુદીપ બંદોપાધ્યાય પણ બળવાખોરોના છાવણીમાં સામેલ, ભૂપેન્દ્ર યાદવ સાથે કરી મુલાકાત

2026-06-13 20:22:28
Author: Vimal Prajapati
TMCમાં ભડકો: સુદીપ બંદોપાધ્યાય પણ બળવાખોરોના છાવણીમાં સામેલ, ભૂપેન્દ્ર યાદવ સાથે કરી મુલાકાત

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર એક ખૂબ જ મોટું રાજકીય સંકટ ઘેરાયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાય બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા છે અને તેમણે દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરતા બંગાળથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન ટીએમસીના અન્ય વરિષ્ઠ સાંસદ શતાબ્દી રોય પણ દિલ્હીમાં હાજર હતા અને તેમણે પણ કેન્દ્રીય પ્રધાનના નિવાસસ્થાને જઈને મુલાકાત લીધી હતી. પક્ષમાં ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સત્તાવાર રીતે સપાટી પર આવી ગયો છે.

19 સાંસદો નવું સંસદીય જૂથ બનાવવા તૈયાર!

બળવાખોર જૂથના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 19 સાંસદોએ આ દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા છે અને આગામી વ્યૂહરચના નક્કી કરવા માટે ટૂંક સમયમાં 20 જેટલા સાંસદો દિલ્હી પહોંચી શકે છે. બળવાખોર જૂથના નેતા અને સાંસદ જગદીશ ચંદ્ર બર્મા બસુનિયાએ દાવો કર્યો છે કે, તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને આ અંગે એક જ્ઞાપન સોંપ્યું છે અને સોમવારે તેઓ ઔપચારિક રીતે પોતાના અલગ જૂથની માન્યતા માંગશે. અમે સ્પીકરને પત્ર સોંપી દીધો છે. સોમવારે અમે લોકસભા અધ્યક્ષને મળીને અમારા વાસ્તવિક 'TMC સંસદીય પક્ષ'ની રચનાનો દાવો રજૂ કરીશું અને તેને સત્તાવાર માન્યતા આપવાની માંગ કરીશું.

3 સાંસદોના રાજીનામા બાદ સંકટ ઘેરાયું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ ટીએમસીમાં સંગઠનાત્મક સ્તરે તણાવ સતત વધી રહ્યો હતો. ટીએમસીના કુલ 28 લોકસભા સાંસદો અને 13 રાજ્યસભા સાંસદોમાંથી અત્યાર સુધીમાં 3 સાંસદો રાજીનામા આપી ચૂક્યા છે, જેનાથી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજી તરફ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બળવાખોરોના દાવાઓને ફગાવી દેતા જણાવ્યું હતું કે, બંધારણના 91મા સુધારા (2003) પછી પક્ષમાં કોઈ પણ પ્રકારના પક્ષાંતર કે અલગ જૂથને કાનૂની માન્યતા મળી શકે નહીં.

કયા 19 સાંસદોના હસ્તાક્ષર હોવાનો દાવો?

ટીએમસી નેતા કુણાલ ઘોષે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સાંસદોના હસ્તાક્ષરોની સત્યતા તપાસવા અને લોકસભા સચિવાલયના રેકોર્ડ સાથે તેને સરખાવવાની માંગ કરી છે. બળવાખોર જૂથ દ્વારા જે 19 સાંસદોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય, બાપી હલદર, શર્મિલા સરકાર, પ્રસૂન બંદ્યોપાધ્યાય, જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા, અસિત કુમાર મલ, અરૂપ ચક્રવર્તી, રચના બેનર્જી, સાયોની ઘોષ, ખલીલુર રહેમાન, અબુ તાહેર ખાન, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન, મિતાલી બાગ, માલા રોય, કાલીપદ સોરેન, દીપક અધિકારી, જૂન માલિયા અને પાર્થ ભૌમિકનું નામ સામેલ છે.