Fri Aug 28 2026

Logo

પશ્ચિમ બંગાળમાં TMC સાંસદની કાર પર હુમલોઃ ભાજપ પર લગાવ્યો તોડફોડનો આરોપ

2026-04-27 19:51:52
Author: Mumbai Samachar Team
પશ્ચિમ બંગાળમાં TMC સાંસદની કાર પર હુમલોઃ ભાજપ પર લગાવ્યો તોડફોડનો આરોપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના આરામબાગથી તૃણમૂલના સાંસદ મિતાલી બાગે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે જ્યારે તેઓ પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીની રેલીમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે હુગલી જિલ્લામાં ગોઘાટમાં ભાજપના ગુંડાઓએ તેમની કારમાં તોડફોડ કરી હોવાનો આરોપ મૂક્યો હતો.

જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો હતો અને દાવો કર્યો હતો કે બાગ માત્ર નાટક કરી રહ્યા છે. હકીકતમાં ટીએમસીના કાર્યકરોએ જ ભગવા પાર્ટીના સમર્થકો પર હુમલો કર્યો હતો. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે કથિત ઘટના અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમજ કેન્દ્રીય સુરક્ષા દળો ઘટનાસ્થળે તહેનાત છે.

ફેસબુક લાઇવ વીડિયોમાં બાગે આરોપ લગાવ્યો કે ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલય નજીક તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે જ્યારે મારી કાર ભાજપના ઉમેદવાર પ્રશાંત દિગારના ચૂંટણી કાર્યાલય પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ભગવા પક્ષના કેટલાક બદમાશોએ મારી કાર પર પથ્થરમારો કર્યો હતો. જેથી કારનો કાચ તૂટી ગયો હતો.

બાગે ચૂંટણી પંચને તેની ફરિયાદ પર કાર્યવાહી કરવાની અપીલ કરતાં કહ્યું કે ભાજપ મહિલાઓની સુરક્ષાની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જુઓ તેઓ એક મહિલા સાંસદ કે જે બાગદી સમુદાયની દલિત મહિલા છે તેની સાથે કેવું વર્તન કરી રહ્યા છે.

ભાજપના પ્રવક્તા દેબજીત સરકારે દાવો કર્યો કે ભગવા પાર્ટીના સમર્થકોએ બાગ પર હુમલો કર્યો નથી. તેનાથી વિપરીત ટીએમસી કાર્યકરોએ કાર્યાલયમાં ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો અને તેમાંથી ઘણાને ઘાયલ કર્યા હતા. સરકારે કહ્યું કે ધ્યાન ભટકાવવા માટે બાગ હવે નાટક કરી રહ્યા છે. 

આ હુમલા અંગે અભિષેક બેનરજીએ કહ્યું હતું કે ભાજપએ અમારા સાંસદ મિતાલી બાગ પર હુમલાનો ખેલ શરુ કર્યો છે, પરંતુ અમે લોકો એને ચોથી મેના ખતમ કરીશું. દરમિયાન ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું છે કે આ ઘટના સંબંધમાં રિપોર્ટ માગવામાં આવ્યો છે, જ્યારે ઘટનાસ્થળે કેન્દ્રીય દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.