એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
નેપાળમાં આવેલા પૂરે સર્જેલી તબાહીએ આખી દુનિયાને ખળભળાવી મૂકી છે પણ ભારતમાં આ પૂરથી વધારે ચિંતા છે. નેપાળ ભારતનો પાડોસી દેશ છે તેથી મોટા પ્રમાણમાં ભારતીયો નેપાળના પ્રવાસે જાય છે. અચાનક આવેલા પૂરના કારણે નેપાળ ગયેલા સંખ્યાબંધ ભારતીયો ફસાઈ ગયા છે અને તેમના કોઈ સમાચાર નથી એ તો ચિંતાનું કારણ છે જ પણ તેનાથી મોટું કારણ આ પૂરનું કારણ છે. તિબેટમાં આવેલી કુદરતી આફતના કારણે આ દુર્ઘટના સર્જાઈ ને નેપાળ લપેટમાં આવી ગયું એવું મનાય છે. આ જ સ્થિતિ ભારતમાં પણ સર્જાઈ શકે ને ભારતમાં નેપાળ કરતાં મોટી તબાહી સર્જાઈ શકે છે તેનો ડર સૌને સતાવી રહ્યો છે.
ભવિષ્યમાં તિબેટમાં આવેલી કુદરતી આફત ભારતમાં પણ ખતરો બની શકે કેમ કે ભારતની ત્રણ મોટી નદીઓ બ્રહ્મપુત્રા, સતલજ અને સિંધુ તિબેટમાંથી નીકળે છે. તિબેટના કારણે નેપાળમાં હોનારત થઈ તેથી તિબેટની વાત કરી, બાકી હિમાલયમાંથી નીકળતી કોઈ પણ નદીના કારણે મહાવિનાશક દુર્ઘટના થઈ શકે છે. નેપાળમાં જે બન્યું એ ઉત્તર ભારતમાં પણ બની શકે ને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પણ બની શકે. ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં તો આ ખતરો સૌથી વધારે છે. ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યો આવે ને ઉત્તર પ્રદેશમાં આવું વિનાશક પૂર આવે તો શું થાય તેની કલ્પના જ થથરાવી નાખનારી છે. દેશના સૌથી વધારે વસતી ધરાવતા રાજ્યમાં તબાહીનું તાંડવ જોવા મળે.
કોઈને આ વાત કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી લાગશે પણ નેપાળમાં સર્જાયેલી દુર્ઘટનાનું કારણ સમજશો તો આ વાત સમજાશે. નેપાળ અને ચીનના તિબેટના સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂરનું કારણ તિબેટમાં પડેલો અતિભારે વરસાદ અને હિમશીલાઓનું પિગળવું છે. ભોટેકોશી નદી તિબેટમાંથી નીકળે છે તેથી તેમાં વધારે પાણી હતું જ પણ ભારે વરસાદ અને હિમશીલાઓ પીગળવાને કારણે પહાડો ધસી પડ્યા તેથી વહેતી નદીનો પ્રવાહ રોકાઈ ગયો. નદીના પાણીમાં પહાડોની માટી અને પથ્થરો ભળ્યા તેથી પાણી એક જગાએ ભેગું થવા માંડ્યું અને માટી-પથ્થરોથી ભરેલું વિશાળ પાણીનું તળાવ બની ગયું.
બીજી તરફ ધોધમાર વરસાદ ચાલુ હતો તેથી નદીમાં નવું પાણી આવ્યા જ કરતું હતું. સતત પડી રહેલા પાણીના કારણે હિમશીલાઓ ધોવાવા માંડી તેથી તેનું પાણી પણ ઉમેરાયું. ધોવાયેલી હિમશીલાઓ પણ સતત આવતા પાણી સામે ઝીંક ના ઝીલી શકી તેથી તૂટી તૂટીને નદીના પ્રવાહમાં ભળવા માંડી એટલે પાણીનો પ્રવાહ વધ્યો. એક હદ સુધી તળાવે નવા પાણીનો મારો સહન કર્યો પણ પછી તળાવ ફાટી ગયું. તળાવમાં પાણીનું દબાણ ક્ષમતા કરતાં વધી જતાં માટી ધોવાવા માંડી અને પથ્થરોનો અવરોધ પણ હટી ગયો તેમાં પાણી બેફામ ગતિએ આગળ વધ્યું ને નેપાળમાં ફરી વળ્યું. પૂરના વીડિયોમાં કોઈ બંધ તૂટી ગયો હોય એવું લાગે છે. તેનું કારણ આ કામચલાઉ રીતે બનેલું તળાવ ફાટ્યું એ છે.
કરોડો લિટર પાણી બેફામ ગતિએ કાદવ, કાંકરા અને કાટમાળ સાથે ધસે પછી શું બાકી રહે? તેના રસ્તામાં જે કંઈ આવે તેને લેતું જ જાય. એ બધું તેમાં ઉમેરાતું ગયું એટલે વૈજ્ઞાનિક ભાષામાં ‘ફ્લેશ ફ્લડ’ કે ‘મડ ફ્લડ’ કહેવાય છે એવું વિનાશક પૂર આવી ગયું. ભોટેકોશી નદીના કિનારા તોડીને પૂરનું પાણી ચોમેર ફરી વળ્યું. તેમાં કાંઠાનાં કેટલાંય ગામો આખેઆખાં સાફ થઈ ગયાં છે. નેપાળમાં ભોટેકોશી નદી પરના 4 જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન થયું છે. અત્યારે આવેલા અહેવાલોમાં જ હજાર કરતાં વધારે લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે પણ વાસ્તવિક રીતે આ આંકડો બહુ મોટો હોવાની શક્યતા છે.
ચીનમાં તો સામ્યવાદી સરકાર છે તેથી અંદર શું બને છે એ બહાર આવતું જ નથી પણ ચીનના તિબેટના સરહદી વિસ્તાર ગાયરોંગ કાઉન્ટીમાં પણ ભારે તબાહી અને મોત થયાના અહેવાલ છે.
નેપાળમાં તો કેટલું નુકસાન થયું તેની જ ખબર નથી. નેપાળીઓના કરમની કઠણાઈ તો પાછી એ છે કે, આ પૂરના કારણે પિક્ચર પતી જતું નથી. ચીનની સરકારે નેપાળ સરકારને સત્તાવાર ચેતવણી આપી છે કે, કામચલાઉ તળાવનું પાણી હજુ પૂરેપૂરું ખાલી થયું નથી તેથી હજુ નવું પૂર આવવાનું જોખમ છે જ. આપણે પ્રાર્થના કરીએ કે, નેપાળમાં હવે કોઈ પૂર ના આવે કેમ કે નેપાળીઓ અત્યારે જ બેવડ વળી ગયા છે એ જોતાં નવા પૂરનો માર સહન નહીં કરી શકે.
તિબેટમાં ભારે વરસાદ નવી વાત નથી પણ હિમશીલાઓ તૂટી તેના કારણે વધારે તબાહી થઈ એ જોતાં ભલે દોષ કુદરત પર ઢોળી દેવાતો હોય પણ નેપાળનું પૂર વાસ્તવમાં માનવસર્જિત દુર્ઘટના છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ ઝડપથી પીગળવા માંડ્યાં છે અને નદી કિનારે આડેધડ બાંધકામો કરી દેવાય છે એ મોટું કારણ છે. ચીન હિમાલયને પોતાના બાપનો માલ સમજે છે એટલે હિમાલયમાં ઠેર ઠેર લશ્કરી છાવણીઓ ઊભી કરી દીધી છે. આ છાવણીઓમાં રહેતા સૈનિકોની જરૂરિયાતો પૂરી કરવા માટે આખેઆખાં ગામો વસાવી દેવાયાં છે. તેના કારણે તાપમાન વધી રહ્યું છે તેમાં હિમશીલાઓ ઝડપથી પિગળી રહી છે તેથી આ કાંડ થયો છે.
એક મત એવો છે કે, ચીનના પ્રયોગોને કારણે આ દુર્ઘટના થઈ છે. ચીન તો તિબેટમાંથી નીકળતી નદીઓનાં પાણી પોતે સંપૂર્ણપણે વાપરી શકે એ માટે નદીઓના પ્રવાહને બદલીને પોતાની તરફ વાળવા જાત જાતનાં બાંધકામ કરી રહ્યું છે. ચીને નદીઓનાં પાણીને રોકવા માટે નાના નાના બંધ અને તળાવો બાંધ્યા છે. તેમાંથી જ કોઈ તૂટી પડતાં નેપાળમાં તબાહી થઈ. આ વાત કેટલી સાચી છે એ ખબર નથી પણ મૂળ વાત એ જ છે કે, માણસો દ્વારા કુદરત સાથે ચેડાં થઈ રહ્યાં છે તેની આ કિંમત છે.
ભારતે આ હોનારતમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કેમ કે આપણે ત્યાં પણ ઉત્તરાખંડમાં પર્વતો કાપી કાપીને બધું બનાવાઈ રહ્યું છે અને બેફામ બાંધકામો થઈ રહ્યાં છે.
તેના કારણે હિમશીલાઓ અને હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે. ભવિષ્યમાં આ કારણોસર નદીઓમાં વધારે પાણી આવી જાય ને નદીકિનારે આસપાસનાં બાંધકામોને ધરાશાયી કરીને તેમનાં કાટમાળ સાથેનો નદીનો પ્રવાહ નીચે લગી પહોંચે તો શું થાય તેની કલ્પના પણ ના થઈ શકે. ભોટેકોશી તો નાની નદી છે પણ ગંગા જેવી વિશાળ નદીમાં આવું થાય તો શું થાય ? નેતાઓને તો ઘર ભરવામાં રસ હોય છે તેથી એ લોકો તો આ બધું ના વિચારે પણ લોકોએ વિચારવું જોઈએ.