Thu Jan 29 2026

Logo

White Logo

‘દિલ ના દિયા...’ ગીતની ધૂન પર જવાનોએ મિલાવ્યા કદમ, કર્તવ્ય પથનો આ વીડિયો તમે જોયો કે?

1 week ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ હવે આખરી તબક્કામાં છે. કર્તવ્ય પથ સુધી ચારેબાજુ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વર્ષે પરેડ રિહર્સલનો એક અત્યંત દિલચસ્પ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકપ્રિય ગીત “દિલ ના દિયા... દિલ ના લિયા... બોલો ના બોલો ક્યા કિયા” ની ધૂન પર જવાનો જ્યારે શિસ્તબદ્ધ રીતે કદમતાલ કરતા નજરે પડ્યા, ત્યારે લોકો તેમની આ અનોખી શૈલી પર ઓળઘોળ થઈ ગયા હતા. જવાનોની આ અદભૂત 'સિંક્રોનાઇઝ્ડ માર્ચ' અને સંગીત સાથેનો તેમનો તાલ એટલો આકર્ષક છે કે વારંવાર રીપ્લે કરવો જ પડશે. 

 

સામાન્ય રીતે જવાનોનું નામ આવતા જ આપણાં મગજમાં શિસ્ત અને કઠોર તાલીમનો વિચાર આવે છે, પરંતુ રિહર્સલ દરમિયાન જોવા મળેલો તેમનો આ હળવો અને ઉત્સાહિત અંદાજ લોકો માટે એક નવો અનુભવ સાબિત થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ભારતીય જવાનોની ઉર્જા અને હાઈ-જોશનું પ્રતીક ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજાસત્તાક પર્વની પૂર્વતૈયારીઓના આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે, જે દર્શાવે છે કે કડકડતી ઠંડી અને કઠિન તાલીમ વચ્ચે પણ જવાનોનું મનોબળ કેટલું મક્કમ અને ખુશમિજાજ હોય છે.

ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસની પરેડ એ ભારતની પરંપરા, શિસ્ત અને સૈન્ય તાકાતનું ભવ્ય પ્રદર્શન છે. જોકે, આવા વીડિયો સાબિત કરે છે કે આપણા જવાનો માત્ર કઠોર શાસનનું પાલન નથી કરતા, પરંતુ સંગીત, તાલ અને ટીમવર્ક દ્વારા વાતાવરણને જીવંત રાખવાની કળા પણ જાણે છે. સખત પરસેવો પાડતી પ્રેક્ટિસ વચ્ચે પણ સંગીતની ધૂન પર તેમના એકસરખા ઉઠતા કદમ એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સેનાનું મનોબળ હંમેશા સાતમા આસમાને હોય છે.