Thu Mar 12 2026

Logo

ગીતા મહિમાઃ હરિ કૃપા ને સિદ્ધિ

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

સારંગપ્રીત

ગત અંકમાં સિદ્ધિ માટે અધિષ્ઠાન, કર્તા, કરણ અને ચેષ્ટાનું મહત્ત્વ દર્શાવીને હવે ભગવાન કૃષ્ણ દૈવ એટલે ભગવાનની કૃપાનું મહત્ત્વ બતાવે છે, તે સમજીએ.

પ્રાય: મનુષ્ય એવું માનતો હોય છે કે મારા પ્રયત્નોથી જ સફળતા મળે છે, પરંતુ ઘણી વખત પ્રયત્ન હોવા છતાં પરિણામ નથી મળતું, અને ક્યારેક નાની મથામણથી જ અદ્ભુત, અદ્વિતીય, અસાધારણ, આશ્ચર્યજનક સફળતા મળે છે. 

આ પાછળનું પરિબળ જાણો છો?
એક ખેડૂત દરરોજ મહેનતથી ખેતરમાં કામ કરતો. બીજ વાવતો, પાણી આપતો, ખાતર નાખતો. છતાં ક્યારેક પાક સારો ન થતો. એક દિવસ તે નિરાશ થઈને ગામના મંદિરમાં ગયો અને પ્રાર્થના કરી, ‘હે ભગવાન! હું મહેનત કરું છું, પણ પરિણામ કેમ નથી મળતું?’ ત્યારે પૂજારીએ સમજાવ્યું કે ‘તું મહેનત કરે છે એ તારું કર્તવ્ય છે, પણ વરસાદ,પવન, ઋતુનું સંતુલન એ બધું તારાં હાથમાં નથી. એ તો ભગવાનની કૃપા પર છે.’ ખેડૂતે સમજી લીધું કે માનવીનો પુરુષાર્થ જરૂરી છે, પણ અંતે ભગવાનની કૃપા વિના સફળતા અશક્ય છે. આમ, પ્રયત્ન પછી પણ અંતિમ પરિણામ માટે ભગવાનની કૃપા અત્યંત જરૂરી છે. ખેડૂતે પ્રભુની આરાધના કરી અને અંતે પ્રભુકૃપાથી સફળતા પ્રાપ્ત કરી.

ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અનેક સ્થાને પોતાની કૃપાની મહત્તા સમજાવી છે. તેઓ કહે છે કે ભક્તના હૃદયમાં રહેલા અજ્ઞાન અંધકારને હું જ્ઞાનના દીપથી દૂર કરું છું. તેનું યોગક્ષેમનું વહન કરું છું, અને અંતે મારા ધામ સુધી પહોંચાડી આપું છું. 

અહીં ભગવાન સ્પષ્ટ કરે છે કે કૃપા વિના સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન, સમજની પ્રાપ્તિ અને કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે કૃપા અનિવાર્ય છે. સિદ્ધિ, સુરક્ષા અને જય તો હરિકૃપા વગર અશક્ય જ છે.  

હિરણ્યકશિપુએ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા પોતાના પુત્ર પ્રહલાદને અનેક યાતનાઓ આપી, મારી નાખવાના પ્રયત્નો કર્યા. પણ ભગવાનની કૃપાથી તેઓ દરેક યાતના વચ્ચે પણ સુરક્ષિત રહ્યા. અર્જુન પણ મહાભારતમાં પોતાના કર્તવ્ય વિશે મૂંઝાયેલો હતો. પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને માર્ગદર્શનથી જ તે ધર્મયુદ્ધ લડીને વિજયી થયો.

ખરેખર, જ્યાં માનવ શક્તિ અધૂરી પડે છે, ત્યાં ભગવાનની કૃપા જીવને ઉંચાઇ આપે છે. માનવી પ્રયત્ન કરે છે, પણ ભગવાનની કૃપા થાય તો જ પરિણામ શુભ થાય છે. જે ભક્ત હૃદયપૂર્વક ભગવાનને યાદ કરે છે, તેમની પર ભગવાન કૃપા વરસાવે છે. કૃપા વિના મોક્ષ અશક્ય છે, જ્ઞાન, યોગ કે તપસ્યા બધું ભગવાનની કૃપા વિના અધૂરું છે.

આ ‘ભગવાનની કૃપા’ એટલે તેમની અનુકંપા, આશીર્વાદ અથવા દયા! જે ભક્તોને જીવનમાં સુખ, શાંતિ અને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદ કરે છે. જે ભક્તિ, પ્રાર્થના અને સાચા આચરણ થી પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપા મેળવવા માટે હૃદયમાં શુદ્ધભાવ, અન્ય લોકો પ્રત્યે પ્રેમ અને ક્ષમાભાવ રાખવો, તેમજ  સદ્ગ્રંથોનું અધ્યયન અને સત્સંગ કરવો આવશ્યક છે. ભગવાનમાં વિશ્વાસ રાખવો એ કૃપા પ્રાપ્ત કરવાનું પહેલું પગલું છે. પોતાના જીવનને સંપૂર્ણ રીતે પ્રભુ પ્રત્યે સમર્પિત કરવું, મન અને બુદ્ધિથી તેમની શરણમાં જવું, ભગવાનની કૃપા મેળવવાનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે.

પ્રમુખસ્વામી મહારાજ વારંવાર કહેતા, ભગવાન પર ભરોસો રાખો, કૃપાથી બધું શક્ય બને છે. એક વખત એક યુવાને તેમને પૂછ્યું, ‘સ્વામીજી! હું ઘણી મહેનત કરું છું છતાં સફળતા નથી મળતી.’ પ્રમુખસ્વામી સ્મિત સાથે બોલ્યા, ‘મહેનત કર, પ્રાર્થના કર, પછી ભગવાનની કૃપા પર છોડી દે. પરિણામ સારું જ આવશે.’

મહંત સ્વામી મહારાજ કહે છે, ભગવાનની કૃપા માણસને હલકો બનાવે છે. ચિંતા, તણાવ, દુ:ખ બધું ઓગળી જાય છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ આવશ્યક છે. ભક્તિ અને પ્રાર્થના હૃદયની શુદ્ધિ લાવે છે, તે સત્યના માર્ગ પર ચલાવશે અને જીવનમાં શાંતિનો અનુભવ કરાવશે. સત્સંગ અને ધર્મગ્રંથોના અધ્યયનથી માનસિક શક્તિ વધે છે, અને સકારાત્મક વિચાર અને સદ્આચરણ દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ. પ્રસન્નતા કૃપા મેળવી આપે છે. 

રોજિંદા જીવનમાં કૃપાનો અનુભવ ઘણીવાર તે સમયે થાય છે જ્યારે કોઈ મુશ્કેલીમાં અચાનક માર્ગ મળી જાય, અસંભવ લાગતું કાર્ય સરળ બની જાય, અથવા દુ:ખ વચ્ચે હૃદયમાં શાંતિ અનુભવાય. હા, ભગવાનની કૃપાથી નાનકડી નૌકા પણ મહાસાગર પાર કરે છે. નિસ્સંદેહ, જીવનમાં સફળતા, સુખ, શાંતિ અને અંતિમ મુક્તિ મેળવવા માટે પુરુષાર્થ (પ્રયત્ન) સાથે ભગવાનની કૃપા પર ભરોસો રાખવો જરૂરી છે.