Tue Mar 10 2026

Logo

પ્રેમનો રંગ લાલ છે ને લાલ એટલે જોખમ !

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

કેનવાસ - અભિમન્યુ મોદી

ક્લિયોપેટ્રા-એન્ટોની 

પ્રેમ ઓવરરેટેડ ફીનોમેના હોય એવું નથી લાગતું?

બીજા શબ્દોમાં આ એક વધુ પડતી ચગાવેલી ક્રિયા પ્રક્રિયા નથી લાગતી? 

સાહિત્યકારો અને ફિલ્મમેકરો અને કલાકારો પ્રેમ ઉપર જ કંઈક ને કંઈક સર્જન કરતા રહેતા હોય છે પણ પ્રેમ એને લાયક છે ખરો? હકીકત તો એ છે કે નફરતે જેટલાં યુદ્ધો નથી આદર્યાં એનાથી વધુ ઘમાસાણ યુદ્ધ પ્રેમે કયાર્ં છે-કરાવ્યાં છે! આખી દુનિયાને ભ્રમ છે કે પ્રેમ શાંતિ આપે છે પણ પ્રેમ વિનાશ નોતરે છે. આપણી સોસાયટીના ન લખેલાં પાઠ્યપુસ્તકોમાં સદીઓથી એવું લખાતું આવ્યું છે કે નફરત અશાંતિ લાવે ને પ્રેમ રાહત. ઇતિહાસ આ વાક્યની સતત મશ્કરી કરતું આવ્યું છે. હેલેન ઓફ ટ્રોયની દંતકથા ખ્યાલ છે ને? હોમરના મહાકાવ્ય ઈલિયાડનું મુખ્ય પાત્ર. માનવજાતની કલ્પનાની સૌથી સુંદર સ્ત્રી. એક જ સ્ત્રી. એની અભૂતપૂર્વ સુંદરતાને પુરુષોના દિલમાં ઉમટતો પ્રેમ. પરિણામ? દસ વર્ષ લાંબી ટ્રોજન વોર. શહેરોનાં શહેરો રાખ થઈ ગયાં. લાખો લોકોએ જીવ ગુમાવ્યો. આ દંતકથા છે કે સત્ય વાર્તા, રામ જાણે! પણ માનવ સંસ્કૃતિએ આ વાર્તાને સદીઓ સુધી સાચવી કેમ રાખી છે? આ વાર્તાનો એક જ બોધપાઠ: અંગત લાગણીનાં જાહેર પરિણામો આવે અને તે બહુ વિનાશક હોય.

દંતકથા છોડો. આગળ વધીએ. ઇતિહાસની વાત કરીએ.    

રોમનું પતન કેમ થયું? માર્ક એન્ટોની તો તેની તાકાત અને કુશાગ્ર બુદ્ધિમતા માટે જાણીતો હતો. ક્લિયોપેટ્રાના પ્રેમમાં પડ્યો. એસેટ લાયેબિલિટી બની ગઈ. રોમના પતનનું કારણ પ્રેમ એકલું ન હતું, પણ જે બધા ખોટા નિર્ણયો લેવાયા એ બધા નિર્ણયો પ્રેમના ઓછાયા હેઠળ લેવાયા હતા. જેમ યુદ્ધગ્રસ્ત જમીન હોય એમ પ્રેમગ્રસ્ત નિર્ણયો, જોડાણ, ગૌરવ, અહંકાર અને છેલ્લે યુદ્ધ પણ હોય. એને પ્રેમગ્રસ્ત કહેવું કે ભ્રમગ્રસ્ત એ વિચારવું રહ્યું.

વિદેશની વાત બહુ કરી. તો ચાલો આપણા દેશમાં. કહેવાતા મહાન મુગલ સામ્રાજ્યનો સમય તો બહુ દૂરનો ઇતિહાસ ન કહેવાય. લોકો ભારતમાં પ્રેમના સર્વોચ્ચ પ્રતીક તરીકે શું જોવા આવે? તાજમહેલ. શાહજહાંના શાસનના મુગલ સામ્રાજ્યએ સમગ્ર રાજ્યના બધા રિસોર્સીઝ અને પૈસો લગાવી દીધા, પણ એ જ સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહેલું. દુનિયા ચકચૌન્ધ થઈ જાય એવું સ્થાપત્ય ઊભું થઈ રહ્યું હતું અને બીજી બાજુ મુગલ સામ્રાજ્ય પડી રહ્યું હતું. પ્રેમગ્રસ્ત શાહજહાં ચકોર ન રહ્યો. પોતાના જ દીકરા ઔરંગઝેબે બળવો પોકાર્યો. તાજમહેલ બંધાવનાર શાહજહાંએ જિંદગીના છેલ્લા દિવસો આગ્રાના કિલ્લાની જેલમાં પસાર કરવા પડ્યા. પ્રેમમાં જો અજાયબી બનાવવાની તાકાત હોય તો પ્રેમમાં માણસને સાવ કમજોર કરી નાખીને રિબાવવાની પણ તાકાત છે. પ્રેમ ફક્ત બેધારી તલવાર નથી, પ્રેમની તલવારને પકડવાનો હાથો પણ કાંડું કાપી નાખે છે.

રાજા-રજવાડાઓની વાત છોડો. આધુનિક વિશ્વની વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ કેમ શરૂ થયું? યુરોપિયન દેશો વચ્ચે કાકા-ફોઈના સંબંધો હતા અને એકબીજા દેશોના વડાઓ અંદરોઅંદર પરણ્યા હતા. પરિણામ? કોઈ એક દેશ ઉપર હુમલો કરે તો ત્રીજો જ દેશ એ લડાઈમાં ઝંપલાવે. આ સાંકળ ચાલુ રહી અને પહેલા આખું યુરોપ ને પછી આખી દુનિયાને તેની નઠારી અસર થઈ. કારણ? પ્રેમસંબંધો! આ યુદ્ધમાં એટલા માટે લાખો લોકો નથી મર્યા કે તેઓ એકબીજાને નફરત કરતા હતા, પણ એટલા માટે મર્યા કે જે તે દેશના વડાએ બીજા દેશના વડા માટેનો પ્રેમ અને પ્રામાણિકતા સાબિત કરવાના હતા. કહ્યું ને, સ્મોકિંગ એન્ડ લવ, બોથ કીલ.

નફરત બહુ જ સરળ અને સહજ છે. પણ પ્રેમ ઊંડો છે. પ્રેમ બહુપરિમાણીય છે. તેમાં એક કરતાં વધુ સ્તરો છે. ન સમજાય એવી આંટીઘૂંટી છે. પહેલી નજરે ન દેખાય અને દેખાય પછી ન ઉકેલાય એવી અનેક ગાંઠ છે. નફરત મોટા ભાગે નિર્દોષ હોય છે. પ્રેમ પોલિટિક્સ સાથે આવે છે. નફરતની પરાકાષ્ઠામાં દુશ્મનની હત્યા થઈ શકે. પ્રેમ એટલો માયાળુ નથી. પ્રેમ ધરાર જીવાડે છે ને મરવા દેતો નથી. પ્રેમનું દિલ એટલું મોટું નથી કે મૃત્યુની ભેટ મળે. પ્રેમ કોહરા છે એટલે કે ધુમ્મસ. પ્રેમ આંખ આડે ધુમ્મસ બિછાવી દે છે અને સામ્રાજ્ય પડી ભાંગે છે.

પ્રેમ વિઝન છીનવી લે છે. આંધળો પ્રેમ - એ વૈજ્ઞાનિક રીતે પણ ખરો શબ્દપ્રયોગ છે. ન્યુરોસાયન્સ તો આ જ કહે છે. જ્યારે માણસ રોમેન્ટિકલી એન્ગેજ થાય ત્યારે તેના દિમાગની રિવોર્ડ સરકીટ કોકેન રિસ્પોન્સની જેમ જ સ્ટિમ્યુલેટ થાય. ડોપામાઇન વધે. ઓક્સીટોસીન વધે. સ્વતંત્ર બુદ્ધિના બધા માળ પડી ભાંગે. માણસ વધુ ખુશ, વધુ આશાવાદી, વધુ આદર્શવાદી, વધુ દયાળુ, વધુ પક્ષપાતી બની જાય. એ માણસ ભૂલી જાય કે હજુ સુધી તો આ દુનિયામાં રામરાજ્ય સ્થપાયું નથી. મોબાઈલના ચેટબોક્સની બહાર એક વિશાળ ને જાલિમ દુનિયા છે જ્યાં આ પ્રેમના બદલે બે ફૂટેલી કોડી નથી મળતી. પ્રેમ કવિતા નથી. એ રસાયણશાસ્ત્ર છે. કોઈ પણ રસાયણનો અતિરેક મારી નાખે. પાણી પણ એક રસાયણ છે ને અતિમાત્રામાં એ પણ પ્રાણ હરી લે છે.

પ્રેમમાં પડેલા હોશિયાર માણસોની મૂર્ખામીઓ જોવાની અલગ મજા છે. મોટા પદ ઉપર પહોંચેલા સીઇઓ અચાનક રિઝાઇન કરી દે. ખૂબ તેજસ્વી વિદ્યાર્થી બોર્ડમાં માંડ પાસ થાય. કલાકારો અચાનક ગુમ થઈ જાય કે એની કલા ઝાંખી પડવા લાગે. મીઠું કે ખાંડને તો ધીમા ઝેર ઘોષિત કરી દીધા. પ્રેમ સૌથી કાતિલ ઝેર છે એ કેમ કોઈને હજુ સુધી સમજાતું નથી?

પ્રેમમાં અહમ ભળે તો અહંકાર બની જાય. પ્રેમમાં અસુરક્ષા ભળે તો એ કબજો જમાવવાની વાત બની જાય. પ્રેમમાં ભય પ્રવેશે તો એ વળગણ થઈ જાય. પ્રેમી લોયલ હોય પણ પ્રેમ તત્ત્વ પોતે બહુ જ ચરિત્રહીન છે. શુદ્ધ પ્રેમમાં અંગત ઈચ્છા, અંગત મરજીઓ, અંગત આદતો, અંગત ટ્રોમા બધું ભળે જ. પ્રેમને દૂષિત થતા બહુ વાર લાગતી નથી. પ્રેમ અને આધારમાં ફરક છે. સમર્પણ અને જાતને ઘસી નાખવામાં ફરક છે. વફાદારી અને અંધત્વમાં અંતર છે. પ્રેમનું રસાયણ એકલું રહી શકતું નથી માટે વહેલા કે મોડો વિસ્ફોટ થાય એ સ્વાભાવિક છે. પ્રેમ નામની જણસ વિરુદ્ધ હજુ ઘણું કહી શકાય એમ છે. પણ અમુક કડવાણી માપમાં સારી.