Wed Sep 02 2026

Logo

થાણેમાં ઝાડ તૂટી પડતા રાહદારી જખમી, ૧૧ વાહનોને નુકસાન

2026-06-30 17:11:29
Author: Sapna Desai
થાણેમાં ઝાડ તૂટી પડતા રાહદારી જખમી, ૧૧ વાહનોને નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણેમાં ઈન્ડસ્ટ્રિયલ એરિયા ગણાતા વાગલે એસ્ટેટ પરિસરમાં રોડ નંબર ૩૧ પર મંગળવારે સવારના અચાનક એક વિશાળ વૃક્ષ તૂટી પડયું હતું, જેમાં બાવન વર્ષના એક રાહદારી જખમી થયો હતો, જયારે  ૧૧ વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો શહેરમાં ભારે વરસાદને પગલે અન્ય સ્થળોએ પણ વૃક્ષ અને તેની શાખાઓ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા.

ચોમાસું શરૂ થવાની સાથે  જ  ઠેર-ઠેર ઝાડ તૂટી પડવાના બનાવ વધી રહ્યા છે, જેમાં થાણે પશ્ર્ચિમમાં વાગલે એસ્ટેટમાં મંગળવારે ભર રસ્તા પર એક વિશાળ ઝાડ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા બાવન વર્ષના પવન ઝા જખમી થયા હતા. તો બસ, ટેમ્પો, બે કાર સહિત છ ટૂ- વ્હીલર અને એક રિક્ષા સહિત ૧૧ વાહનોને નુકસાન થયું હતું.

થાણેમાં ઈન્ડસ્ટ્રિયલ એરિયા ગણાતા વાગલે એસ્ટેટમાં અનેક કંપનીઓ આવેલી છે, જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો કામ પર આવે છે. મંગળવારે સવારના વાગલે પોલીસ સ્ટેશન નજીક પ્રશાંત કોર્નર નજીક રોડ નંબર ૩૧  પર સવારના ૮.૪૯ વાગે અચાનક ઝાડ તૂટીને રસ્તાને લાગીને ઊભી રહેલી બસ, ટેમ્બો, બે કાર, છ ટૂ-વ્હીલર અને એક રિક્ષા પર પડ્યું હતું, જેમાં એક બસ થાણે ગ્રામીણની બોમ્બ સ્કવોડ ટીમની હતી.

બરોબર એ જ સમયે જ્ઞાનેશ્ર્વર નગરમાં રહેતા પવન ઝા પોતાની ઓફિસે આ રસ્તા પરથી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ ઝાડ પડ્યું હતું. આ દુર્ઘટનામાં તેમના માથા અને છાતીને ભારે ઈજા પહોંચી હતી. સ્થાનિક નાગરિકોની મદદથી તેમને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઝાડ તૂટી પડવાની જાણ થતા જ ઘટના સ્થળે પોલીસ, ફાયરબ્રિગેડ, થાણે પાલિકા સહિત ટ્રી ઓથોરિટીના કર્મચારી-અધિકારીઓ પહોંચી ગયા હતા અને ઝાડની ડાળખીઓ કાપીને ઝાડને હટાવીને રસ્તો ખુલ્લો કરવાનું કામ હાથ ધર્યું હતું.

એ સમય દરમ્યાન જ થાણે  પશ્ર્ચિમમાં વસંત વિહારમાં સેન્ટ્રલ ગાર્ડન સામે બિલ્િંડગ નંબર ૭૩ના પરિસરમાં એક મોટું ઝાડ તૂટીને ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓ પર પડયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.