Sun Aug 23 2026

Logo

રોકાણકારો સાથે 1.2 કરોડની છેતરપિંડી: ઈન્વેસ્ટમેન્ટ ફર્મના માલિક વિરુદ્ધ ગુનો

2026-07-27 17:14:54
Author: Yogesh C. Patel
Article Image

થાણે: શૅર અને ફોરેક્સ ટ્રેડિંગમાં આકર્ષક વળતરની ખાતરી આપી 10 રોકાણકાર સાથે 1.2 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ બે ઈન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક વિરુદ્ધ થાણે પોલીસે ગુનો નોંધ્યો હતો.નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી 2022થી 2024 દરમિયાન થઈ હતી.

આરોપીએ તેની કંપની શૅર અને ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) ટ્રેડિંગમાં કાર્યરત હોવાનો દાવો કર્યો હતો. લગભગ એક વર્ષ સુધી આરોપીએ રોકાણ કરેલી રકમ પર મહિને પાંચથી છ ટકા વળતરની ખાતરી આપતી સ્કીમનો ફેલાવો કર્યો હતો. નવા રોકાણકારો શોધવા આરોપીએ એજન્ટ-નેટવર્ક સિસ્ટમ અપનાવી હતી.

થાણેના એક રહેવાસીએ આરોપીની ટ્રડિંગ સ્કીમમાં 18 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રહેવાસીની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કંપની દ્વારા વળતરના અમુક ભાગ તરીકે 7.2 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે બાકીનું વળતર અને રોકાણ કરેલી મૂળ રકમ પાછી આપવામાં આવી નહોતી.થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ ફરિયાદની પ્રાથમિક તપાસ અને ખાતરી કરતાં અન્ય નવ રોકાણકાર સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાયું હતું. 10 રોકાણકાર સાથે 1.02 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ પ્રકરણે આર્થિક ગુના શાખાની તપાસ બાદ 24 જુલાઈએ નૌપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)