થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2016માં વિવાદને પગલે શસ્ત્રના ઘા ઝીંકી પાડોશીની હત્યા કરવાના કેસમાં 42 વર્ષના આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે આ ગુનામાં ભૂમિકા સ્થાપિત કરવા માટે પુરાવાના અભાવનો ઉલ્લેખ કરીને કોર્ટે આરોપીનાં માતા-પિતાને નિર્દોષ જાહેર કર્યાં હતાં.
એડિશનલ સેશન્સ જજ ડી.એસ. દેશમુખે શુક્રવારે આરોપી મોહંમદ અસગર ઉર્ફે સમર દિલશાદ હુસેન સૈયદને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 504 (ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કારાવાસ ઉપરાંત પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે મોહંમદ અસગરના પિતા દિલશાદ હુસેન શહેનશાહ સૈયદ અને તેની માતા અફસરી દિલશાદ હુસેન સૈયદને નિર્દોષ છોડ્યાં હતાં.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર વી.જી. કડુએ જણાવ્યું હતું કે મુંબ્રાના કૌસા વિસ્તારમાં 21 મે, 2016ના રોજ આ ઘટના બની હતી. અહમદ રઝા શેખની બહેનેને જોવા માટે આરોપી અસગર તેના ઘરમાં ડોકિયું કરતો હોવાથી અને તેને પરેશાન કરતો હોવાથી અહમદ શેખે આરોપીને આંતર્યો હતો અને આ અંગે પૃચ્છા કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં આરોપી તેના ઘરમાં દોડી ગયો હતો અને ચાકુ લઇને આવ્યો હતો.
આરોપીએે અનેક સાક્ષીદારોની સામે અહમદ શેખ પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અહમદ શેખને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.
(પીટીઆઇ)