Thu Jul 23 2026

Logo

થાણેમાં નાળાસફાઈ પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે

2026-05-28 08:52:00
Author: Sapna Desai
Article Image

૧૦૨ ક્રોનિક પોઈન્ટ પર પાણી ભરાવવાનું જોખમ
(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: ચોમાસું નજીક હોઈ થાણે શહેરમાં હજી પણ અનેક વિસ્તારોમાં નાળાસફાઈનું કામ પૂર્ણ થયું નથી ત્યારે ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન પાણી ભરાવવાની શકયતા નિર્માણ થઈ છે ત્યારે થાણે પાલિકા કમિશનરે બુધવારે થાણેના નાળાસફાઈના કામનો અહેવાલ લીધા બાદ આગામી પાંચ જૂન સુધીમાં નાળાસફાઈનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ સંબંધિત અધિકારીઓને આપ્યો હતો. 
બુધવારે અધિકારીઓ સાથે  યોજાયેલી બેઠકમાં કમિશનર સૌરભ રાવે નિર્દેશ આપ્યો હતો કે બાકી રહેલું નાળાની સફાઈનું કામ પાંચ જૂન સુધીમાં યુદ્ધના ધોરણે પૂર્ણ થાય તે માટે આયોજન કરીને જરૂરી સ્થળોએ વધારાના માનવબળ અને મશીનરી ઉપલબ્ધ કરાવવામાં આવે.  તેમ જ તમામ આસિસ્ટન્ટ કમિશનરોને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોમાં નાળાની સફાઈનું કામ ચાલી રહ્યું છે તે  સ્થળોએ કામ કરતી વખતે મુશ્કેલીઓ આવે તો તે માટે સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે સંપર્કમાં રહેવું  અને નાળા સફાઈ અંગે તેમને મળેલી સૂચનાઓનો અમલ કરવો. 

કમિશનરે અધિકારીઓને શહેરના સંવેદનશીલ અને પૂરગ્રસ્ત વિસ્તારો પર ખાસ ધ્યાન આપીને પગલાં અમલમાં મૂકવા સૂચના આપી હતી. નાળાની સફાઈ દરમિયાન કાઢવામાં આવેલા ગાળ (કાદવ-કચરો) તાત્કાલિક ઉપાડવા અને નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, રેલ્વે લાઇન પરના કલ્વર્ટ, ડ્રેઇન અને ખાડીના મુખના આઉટલેટનું નિરીક્ષણ કરીને જરૂરી પગલાં લેવાનો અને જ્યાં માનવશક્તિની અછત હોય ત્યાં વધારાની માનવશક્તિ પૂરી પાડવા પણ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. તેમણે બેઠકમાં તમામ સંબંધિતોને નાળા સફાઈ કાર્યની દૈનિક સમીક્ષા કરવા અને કરવામાં આવેલા કાર્યની વિગતો જાળવવા, જરૂર પડે ત્યાં વધારાના માનવબળ તૈનાત કરવા અને પાંચ જૂન સુધીમાં કામ સંતોષકારક રીતે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

આ દરમ્યાન થાણેમાં ભારે વરસાદ દરમ્યાન પાણી ભરાઈ જતા ક્રોનિક પોઈન્ટ બાબતે સંબંધિત અધિકારીએ કહ્યું હતું કે જે વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે ત્યાં ૧૦૨ પંપ બેસાડવાની કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો પાણીનો નિકાલ કરવા માટે પંપ ઓપરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને જો પંપ બંધ થઈ જાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.