Wed May 06 2026

Logo

‘અલ-નિનો’ની અસર:  થાણે અને મીરા-ભાયંદરમાં પાણીકાપ

2026-05-05 20:54:11
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
ઉનાળાના આગમન સાથે જ થાણેમાં પાણીની સમસ્યા નિર્માણ થઈ ગઈ છે. શહેરમાં પાણીકાપ મૂકયા બાદ હવે દર અઠવાડિયે વારાફરતી શહેરના વિસ્તારમાં પાણીપુરવઠો ખંડિત કરવામાં આવી રહ્યો છે, જેમાં થાણે શહેરમાં ગુરુવારથી શુક્રવાર સુધી શહેરના અનેક વિસ્તારમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. એ સિવાય મીરા-ભાયંદરમાં પણ દર ૧૫ દિવસે પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.

મહારાષ્ટ્ર ઈન્ડિસ્ટ્રયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી કરવામાં આવનારા સમારકામને કારણે થાણે શહેરના અમુક વિસ્તારમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. ગુરુવાર, ૭ મે, ૨૦૨૬ના બપોરના ૧૨ વાગ્યાથી શુક્રવાર, ૮ મે ૨૦૨૬ના બપોરના ૧૨ વાગ્યા સુધી શટડાઉન રહેશે. આ સમય દરમ્યાન  દીવા, મુંબ્રા, કલવા, કોલશેત વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. એ બાદ પણ એકાદ-બે દિવસ આ વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો મળશે.  તેથી નાગરિકોને પાણી સંભાળીને કાટકસર કરીને વાપરવાની સલાહ આપી છે.

એ સિવાય મીરા-ભાયંદરમાં પણ ૭ મે, ગુરુવારના પાણીપુરવઠો બંધ રહેશે. ‘અલ નિનો’ના પ્રભાવ હેઠળ આ વર્ષે ચોમાસું લંબાઈ જવાની શક્યતા છે. તેથી જળસિંચાઈ વિભાગે પાણીનું નિયોજન કરવા માટે પાણીકાપ લાગુ કર્યો છે. તે મુજબ એમઆઈડીસી તરફથી શહેરમાં થનારો પાણીપુરવઠો મહિનામાં બે  વખત બંધ રહેશે. ૭ મે અને ૨૧ મેના શહેરમાં પાણીપુરવઠો ૨૪ કલાક માટે બંધ રહેશે, જેમાં સાત મેના ગુરુવારે બપોરના ૧૨થી ૮ મે, શુક્રવારના બપોરના ૧૨ વાગ્યા સુધી શહેરનો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.  તો  ૨૧ મે, ગુરુવારના બપોરના ૧૨ વાગ્યાથી ૨૨મે, શુક્રવારના બપોરના ૧૨ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.