થાણે: થાણેના 46 વર્ષના મિકેનિકલ એન્જિનિયરે ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડમાં 3.15 કરોડ રૂપિયા ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
થાણેના કાસારવડવલી વિસ્તારમાં રહેનારા ફરિયાદીએ આરોપ કર્યો હતો કે એક વ્યક્તિએ તેનો સંપર્ક સાધ્યો હતો અને વેબસાઇટમાં રોકાણ પર આકર્ષક વળતરનું વચન આપ્યું હતું.
સાયબર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર લહુ રાઠોડે જણાવ્યું હતું કે ફરિયાદીએ 12 ડિસેમ્બર, 2025થી 11 ફેબ્રુઆરી, 2026 દરમિયાન 3.15 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
ફરિયાદીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેને ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પાંચ લાખ અમેરિકન ડોલરનો નફો બતાવવામાં આવ્યો હતો, જેને કારણે તેનો વિશ્ર્વાસ વધ્યો હતો. જોકે તેણે રોકાણ કરેલી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેનું એકાઉન્ટ બ્લૉક કરી દેવાયું હતું. આથી પોતે છેતરાયો હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું.
દરમિયાન એન્જિનિયરે આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ આદરી હતી. (પીટીઆઇ)