- રાજ ગોસ્વામી
થોડા દિવસ પહેલાં ભારતીય ભાષાઓના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા ‘જશ્ન-એ-રેખ્તા’ના એક મંચ પર ગીતકાર-લેખક જાવેદ અખ્તરને ભાષા અને લિપિ પર બોલતા સાંભળ્યા હતા. એ વાતચીતમાં તેમણે અચાનક એક રોચક વાત કરી કે તમિલનાડુ અને જાપાન સાથે કોઈ સાંસ્કૃતિક કે ભૌગોલિક સંબંધ રહ્યો નથી, છતાં જાપાની ભાષામાં અમુક એવા શબ્દો છે જે તમિલની યાદ અપાવે છે. તેમણે એવું પણ કહ્યું કે તે આ વિષય પર લખાયેલું એક પુસ્તક પણ શોધી રહ્યા છે જે મળતું નથી.
એ પુસ્તક એટલે જાપાનીસ ભાષાવિદ્ પ્રોફેસર સુજુમુ ઓહ્નોનું Sound Correspondences between Tamil and Japanese. આ પુસ્તક 1980માં પ્રગટ થયું હતું. આ પુસ્તક ભાષાપ્રેમીઓ માટે ઉત્સુકતા પ્રેરક છે અને ભાષાવિદો, ઇતિહાસકારો માટે વિવાદાસ્પદ. કેમ?
કારણ કે એમાં પ્રોફેસર ઓહ્નોનો દાવો છે કે તમિલ અને જાપાની ભાષા વચ્ચે કેવળ સંયોગવશ મળતા આવતા શબ્દો નથી, બલકે ધ્વનિઓ, વ્યાકરણ અને વાક્ય-રચનાના સ્તર પર પણ અમુક ઉલ્લેખનીય સમાનતા જોવા મળે છે.
સૌથી પહેલાં શબ્દોની વાત. ઓહ્નો અને તેમના સમર્થકોએ એવા કેટલાય શબ્દો તરફ સંકેત કર્યો છે જેને તે સંભવિત સમાનતાના રૂપમાં જુવે છે. ઉદાહરણ તરીકે- તમિલની ‘અમ્મા’ અને જાપાની ‘અમા’ બંનેમાં માતૃત્વ અથવા સ્ત્રીસંબંધી સંબોધનોની ધ્વનિ નિકટતમ છે. તેવી જ રીતે, મોટાભાઈને તમિલમાં ‘અન્ના’ કહે છે અને જાપાનીમાં ‘એની.’
તમિલમાં ‘ઉર’નો અર્થ થાય છે ગામ અથવા બસ્તી. અમુક વિદ્વાનો જાપાની ‘ઉરા’ અથવા અન્ય સ્થાનિક શબ્દો સાથે તેની તુલના કરે છે... ખાલી અથવા શૂન્ય માટે દ્રવિડિયન ભાષામાં ‘કરા’ શબ્દ છે. જાપાનમાં તેના માટે ‘કારા’ છે. એવો જ એક શબ્દ મસાલા માટે છે; જાપાનીમાં ‘કરાઈ’ અને તમિલમાં ‘કરમ.’ કાપવાને જાપાનીમાં ‘કિરુ’ અને તમિલમાં ‘કીરુ’ કહે છે.
પ્રવાહ માટે જાપાનમાં ‘નગરે’ અને તમિલમાં ‘નગર’ છે. હવે (અત્યારે)ને જાપાનમાં ‘ઈમા’ કહે છે અને તમિલમાં ‘ઈમ્માઈ’. માછલી માટે તમિલમાં ‘મીન’ શબ્દ છે (જેમ કે મીનાક્ષી). જાપાનમાં પણ ‘મીન’ શબ્દ છે. બંનેનો ધ્વનિ એક છે, પણ અર્થ અલગ. જાપાનમાં મીન એટલે જક્કી માણસ.
આ ઉદાહરણોને બધા ભાષાવિદો નથી સ્વીકારતા. તેમનો તર્ક છે કે બે ભાષાઓમાં અમુક સમાન ધ્વનિઓ મળી જાય તે સમાન પૂર્વજનું પ્રમાણ નથી. તેમ છતાં, આ ઉદાહરણો ચર્ચાને રોચક જરૂર બનાવે છે.
જોકે અહીં વાત કેવળ શબ્દો સુધી સીમિત નથી. વાસ્તવમાં, ઓહ્નોનું વધુ જોર વ્યાકરણની રચના પર હતું. તમિલ અને જાપાની બંનેમાં સામાન્ય વાક્ય ક્રમ છે- કર્તા, કર્મ અને અંતે ક્રિયા. તમિલમાં કોઈ કહે - ‘હું પુસ્તક વાંચું છું.’ જાપાનીમાં એ વાક્ય હશે- ‘વાતાશી વા હોન ઓ યોમ.’ બંનેમાં ક્રિયા સૌથી અંતે આવે છે. બંને ભાષા પ્રત્યયોની મદદથી અર્થોનો વિસ્તાર પણ કરે છે. અંગ્રેજીની જેમ અલગ-અલગ પૂર્વસર્ગોને બદલે શબ્દોની પાછળ જોડતા અવયવ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ તેને અગ્લૂટિનેટિવ (સમૂહીકરણ) રચના કહે છે. જેમ કે વૃક્ષ શબ્દ ‘વૃક્ષો’ અથવા ‘વૃક્ષોમાં’ અથવા ‘વૃક્ષોથી’ બને. મજાની વાત એ છે કે બંને ભાષાઓમાં સન્માનસૂચક સંબોધનોની વિકસિત વ્યવસ્થા છે. તમિલ સમાજમાં ઉંમર અને સામાજિક સંબંધો અનુસાર સંબોધન બદલાતાં રહે છે. જાપાનમાં તો તે વધુ જટિલ છે. ત્યાં કોઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવાની છે, તે તેની સામાજિક હેસિયત અને નિકટતા પર નિર્ભર કરે છે.
શું આ સમાનતાઓ કોઈ સહિયારા અતીત તરફ સંકેત કરે છે? અહીંથી ચર્ચા શરૂ થાય છે. ભાષાવિજ્ઞાનની મુખ્યધારા આજે પણ જાપાનીને અલગ ભાષા-પરિચારની સભ્ય માને છે. મોટા ભાગના વિદ્વાનોનું માનવું છે કે ઓહ્નોનો સિદ્ધાંત હજુ નિર્ણાયક પ્રમાણ વગરનો છે. તેમનો તર્ક છે કે વાક્ય-રચના અથવા અમુક શબ્દોની સમાનતા દુનિયાને અનેક ભાષાઓમાં પણ મળી શકે છે. છતાં, શું તમિલ અને જાપાની ખરેખર સગોત્ર ભાષાઓ છે? આ પ્રશ્ન વારંવાર ઊભો થાય છે. તેનું એક કારણ ઇતિહાસ પણ છે. દક્ષિણ ભારતના વેપારીઓ પ્રાચીન સમયથી જ સમુદ્રમાર્ગે દક્ષિણ-પૂર્વ એશિયા સુધી પહોંચતા રહ્યા હતા. તેમની સાથે માલસામાન જ નહીં, વિચારો, માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ પણ પ્રવાસ કરતી હતી.
બૌદ્ધ ધર્મે તો સમગ્ર એશિયામાં એક વિશાળ સાંસ્કૃતિક સેતુ ઊભો કર્યો હતો.
આ સંદર્ભમાં એ કલ્પના અયોગ્ય લાગતી નથી કે વેપાર અને સાંસ્કૃતિક સંપર્કોની સાથે કેટલાક ભાષાકીય પ્રયોગો કે ધ્વનિ-રૂપો પણ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચ્યા હશે.
પરંતુ અહીં સાવધાની જરૂરી છે. અત્યાર સુધી એવા કોઈ નિર્વિવાદ ઐતિહાસિક કે ભાષાશાસ્ત્રીય પુરાવા મળ્યા નથી જે તમિલ અને જાપાની વચ્ચે સીધો વંશાનુગત સંબંધ સ્થાપિત કરી શકે. ભાષાવિજ્ઞાનની મુખ્યધારા આજે પણ બંને ભાષાઓને અલગ પરંપરાઓનો વિકાસ માને છે એટલે વધુ સંતુલિત નિષ્કર્ષ એ જ છે કે સુજુમુ ઓહ્નોનો સિદ્ધાંત એક રસપ્રદ અને વિચારપ્રેરક પરિકલ્પના છે, સ્થાપિત સત્ય નહીં. તેમ છતાં, તેની બૌદ્ધિક કિંમત ઓછી થતી નથી, કારણ કે આવી ચર્ચાઓ આપણને યાદ અપાવે છે કે ભાષાનો ઇતિહાસ માત્ર વ્યાકરણના નિયમોનો ઇતિહાસ નથી. તે માનવ યાત્રાઓ, સમુદ્રી વેપાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને જુદી જુદી સભ્યતાઓ વચ્ચે સદીઓથી ચાલતા સંવાદોની પણ કથા છે.
શું જાપાની ભાષામાં તમિલની કોઈ પ્રાચીન ગુંજ સંભળાય છે કે પછી આ માત્ર થોડાક રસપ્રદ સંયોગોનું પરિણામ છે?
આ પ્રશ્નનો અંતિમ જવાબ ભાષાવિજ્ઞાન પાસે હજુ ઉપલબ્ધ નથી, પરંતુ આ ચર્ચાની પ્રાસંગિકતા એટલા માટે જળવાઈ રહે છે કે તે આપણને ભાષાઓને વધુ વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાનું શીખવે છે. ભાષા માત્ર શબ્દો અને વ્યાકરણનું માળખું નથી; તે માનવ સ્થળાંતર, વેપારમાર્ગો, સાંસ્કૃતિક સંપર્કો અને લાંબા ઐતિહાસિક સંવાદોની સાક્ષી પણ છે. કદાચ એટલા માટે જ મદુરાઈ અને ટોકિયો વચ્ચેનો આ બૌદ્ધિક સંવાદ હજુ પૂર્ણ થયો નથી. અને ભાષાની દુનિયામાં સૌથી રસપ્રદ પ્રશ્નો ઘણીવાર એ જ હોય છે, જેના જવાબ કરતાં તેમની આસપાસ નિરંતર ચર્ચાઓ ચાલતી રહે.