કોલકાતા: ઉત્તર પ્રદેશમાં જેમ યોગી સરકાર કામ કરી રહી છે તેમાં હવે પશ્ચિમ બંગાળમાં પણ ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના કડક નિર્દેશોના ગણતરીના કલાકોમાં જ કોલકાતાના તિલજલા વિસ્તારમાં ગેરકાયદે ઈમારતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ મુખ્ય પ્રધાને ગેરકાયદે નિર્માણો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવાની જાહેરાત કરી છે.
અગ્નિકાંડ બાદ લેવાયો કડક નિર્ણય
તિલજલામાં એક ચામડાના કારખાનામાં લાગેલી ભીષણ આગમાં બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તપાસમાં બહાર આવ્યું હતું કે જે ઈમારતમાં આગ લાગી હતી તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી અને તેની પાસે કોઈ માન્ય બિલ્ડિંગ પ્લાન નહોતો. આ રિપોર્ટના આધારે મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીએ 24 કલાકની અંદર તમામ ગેરકાયદે ઈમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા
ખાસ કરીને વાત કરવામાં આવે તો, તિલજલામાં KMC અને KMDA દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોલકાતા પોલીસની રેપિડ એક્શન ફોર્સ (RAF) અને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ બુલડોઝરની કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક તેમને હટાવીને બેરિકેડિંગ કરી દીધું હતું.
તપાસમાં બેદરકારી સામે આવી
મંગળવારે તિલજલા રોડ પર આવેલી ચાર માળની ઈમારતમાં લાગેલી આગમાં બે કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ચાર સભ્યોની તપાસ સમિતિએ ખુલાસો કર્યો કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા નહોતી. આ બેદરકારીને ગંભીરતાથી લઈને સરકારે ઓપરેશન બુલડોઝર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાનના આ નિર્ણયથી બંગાળમાં ગેરકાયદે બાંધકામ કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્ય સરકાર હવે સમગ્ર શહેરમાં આવા ગેરકાયદે બાંધકામોની યાદી તૈયાર કરી રહી છે.