Fri Sep 04 2026

Logo

સુરેન્દ્રનગરમાં જેઠ સાથે ભાગેલી યુવતીને જેઠના મિત્ર સાથે સંબંધ બંધાતાં કઈ રીતે જેઠને પતાવી દીધો?

2026-05-19 09:43:00
Author: Devayat Khatana
સુરેન્દ્રનગરમાં જેઠ સાથે ભાગેલી યુવતીને જેઠના મિત્ર સાથે સંબંધ બંધાતાં કઈ રીતે જેઠને પતાવી દીધો?


સુરેન્દ્રનગર: જાણે કોઈ ક્રાઇમ વેબ સીરિઝ જોઈ રહ્યા હોય તેવી એક હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે થયેલી શાંતિગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હત્યારાને પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ઘટનાના પ્રેમ, દગો જેવા અનેક પ્રકરણો જવાબદાર રહ્યા હતા.  

સમગ્ર ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી મહિલા જાગૃતિ અને તેના પ્રેમી કાંતિ ઉર્ફે ભરત સાબરિયાની ધરપકડ કરી હતી. કોઈ વેબ સિરીઝની ક્રાઈમ સ્ટોરી જેવી આ ઘટનામાં પ્રેમ પ્રકરણ, અનૈતિક સંબંધો, દગો અને સોપારી આપવા છતાં છેતરાવા જેવી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં રહેતા સુખદેવગીરી ગોસ્વામીના લગ્ન જાગૃતિ સાથે થયા હતા અને તેમને બે સંતાનો હતા. જોકે, લગ્નજીવન દરમિયાન જાગૃતિને તેના જેઠ શાંતિગીરી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બદનામીથી બચવા માટે જાગૃતિ અને શાંતિગીરી પોતાના સંતાનોને ત્યજીને સોલડી ગામે સાથે રહેવા લાગ્યા હતા. મૃતક શાંતિગીરી ટ્રક ડ્રાઈવર હોવાથી અવારનવાર અનેક દિવસો સુધી ઘરથી બહાર રહેતા હોઇ જેના કારણે જાગૃતિને ત્યાં જ આજુબાજુના અન્ય પુરુષો સાથે સંબંધો બંધાયા હતા. આ દરમિયાન શાંતિગીરીએ પોતાના જ સાથી ડ્રાઈવર મિત્ર કાંતિ સાબરિયાને પોતાના ઘરે રહેવા બોલાવતા, શાંતિગીરીની ગેરહાજરીમાં જાગૃતિ અને કાંતિ વચ્ચે પણ પ્રેમસંબંધો શરૂ થઈ ગયા હતા.

એવું પણ બન્યું કે આરોપી જાગૃતિને મૃતક શાંતિગીરી સાથે અવારનવાર થતી તકરારથી તે કંટાળી ગઈ હતી અને આથી તેને રસ્તામાંથી હટાવી જાગૃતિએ આરોપી કાંતિ સાથે સ્થાયી થવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો. ગત વર્ષે ઓકટોબર માસના રોજ જ્યારે શાંતિગીરી ટ્રક લઈને ઘરે પરત ફર્યો ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ જાગૃતિ અને કાંતિએ તેની સાથે ઝઘડો કરી તેને નીચે પાડી દીધો હતો અને ગળું દબાવી તથા ઓશીકાથી ગૂંગળાવીને તેની હત્યા કરી દીધી હતી. લાશના નિકાલ માટે તેમણે અન્ય બે મિત્રો દીપક અને લલિતની મદદ લીધી હતી અને મૃતદેહને સુરેન્દ્રનગરની કેનાલમાં વહાવી દીધો હતો. અને ગામમાં એવી અફવા ફેલાવી હતી કે શાંતિગિરિને મોટું કામ મળ્યું હોવાથી તે બે વર્ષ સુધી બહાર જ રહેવાના છે. 

આ કેસમાં સૌથી આશ્ચર્યજનક વિગત એ સામે આવી કે, આ હત્યાના દોઢ વર્ષ પહેલાં જાગૃતિએ શાંતિગીરીના મિત્ર યુનુસ મેમણને રૂ. 25 હજારની સોપારી આપી હતી, પરંતુ યુનુસે શાંતિગીરી ઊંઘતો હતો તેના ફોટા પાડીને જાગૃતિને મોકલી છેતરપિંડી કરી હતી. આખરે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.બી. આલની ટીમે કેનાલમાંથી મળેલા અજાણ્યા મૃતદેહ અંગે બે મહિના સુધી સઘન તપાસ આદરી હતી. તપાસ દરમિયાન યુનુસ મેમણ અને સોપારી વાળી કડી હાથ લાગતા પોલીસે જાગૃતિની કડક પૂછપરછ કરી, જેમાં તે ભાંગી પડી હતી અને સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.