Thu Jun 18 2026

Logo

સુરતના પાંડેસરામાંથી 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો

2026-03-05 16:15:44
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: સુરત તહેવારોના સમયમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખી પાંડેસરાની ભીડભંજન સોસાયટીના એક કારખાનામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી આશરે ૩,૦૮,૨૨૦ રૂપિયાની કિંમતનું ૧૪૦૧ કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું.

પોલીસે ઘટનાસ્થળેથી અલથાણના રહેવાસી અને મૂળ રાજસ્થાનના કારખાનાના માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની અટકાયત કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી છેલ્લા બે વર્ષથી દરરોજ આશરે ૪૦૦ કિલો જેટલું પનીર બનાવી અલગ-અલગ ડેરીમાં જથ્થાબંધ તથા છૂટક વેચાણ કરતો હતો. 

આ કામગીરીમાં પનીરની સાથે પેશ્ચરાઇઝ મશીન, હોમોનાઈઝર મશીન, પામોલીન તેલના ડબ્બા અને એસીડીક એસીડ જેવો મુદ્દામાલ મળી કુલ ૨૮,૪૪,૧૭૦ રૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શંકાસ્પદ પનીરના જથ્થાને સીલ કરી તેના નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.