Sun Aug 30 2026

Logo

સુરતમાં ઘરકંકાસમાં બે દીકરીને ઝેર આપી માતાએ કરી આત્મહત્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

2026-04-16 18:55:57
Author: Devayat Khatana
સુરતમાં ઘરકંકાસમાં બે દીકરીને ઝેર આપી માતાએ કરી આત્મહત્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત:
સુરતના સિંગણપોર વિસ્તારમાં ઘરકંકાસથી કંટાળીને એક ૩૫ વર્ષીય મહિલાએ પોતાની પાંચ અને છ વર્ષની બે પુત્રીઓને ઝેર આપી પોતે પણ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. 

મૂળ ભાવનગરના અને ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા જયસુખભાઈ પટેલિયાના પત્ની મિત્તલબેને અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી હતી અને ત્યારબાદ પોતે પણ તે ખાઈ ગયા હતા. 

ઝેર પીધા બાદ તેમણે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી કે "મારે હવે નથી જીવવું, મેં ઝેર પી લીધું છે". ગંભીર હાલતમાં ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને બાળકીઓની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે રસોઈ અને ઘરકામ જેવી નાની બાબતોમાં દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેના કારણે મિત્તલ સતત માનસિક તણાવમાં રહેતી હતી. 

ઘટનાના દિવસે જ્યારે પતિ કામે ગયા હતા ત્યારે મિત્તલે આ અંતિમ પગલું ભર્યું હતું. જયસુખભાઈ જ્યારે તેમના પિતરાઈ ભાઈ સાથે ઘરે પહોંચ્યા ત્યારે મોટી દીકરીએ રડતા રડતા જણાવ્યું હતું કે "મમ્મીએ અમને દવા પીવડાવી અને પોતે પણ પી લીધી છે". 

આ મામલે સિંગણપોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.